hinchkani dor - Geet | RekhtaGujarati

કોણે હીલોળી હીંચકાની દોર

મારી કોણે હીલોળી હીંચકાની દોર?

નિરાંતે ઝૂલતી'તી એકલી આનંદમાં,

કોણ મારે મંદિરિયે પેઠો ચોર? મારીo

ફંગોળો નાખ્યો તે પૂગ્યો છે આભમાં,

દોર તૂટે એટલું કીધું છે જોર. મારીo

હૈડું જો ધ્રબકે છે મારું સાહેલડી!

કંપે છે થરથર કાળજાની કોર! મારીo

બ્રહ્માંડ ડોલતું દેખું છું ફેરમાં,

ચસકયું હા! ચિત્તડુ રહે ઠોર. મારીo

શાણી સહિયર કોઈ હાથ ઝટ ઝાલજો,

હળવે ઉતારજો હીંચકાનો તોર! મારીo

સ્રોત

  • પુસ્તક : નવી કવિતા (પૃષ્ઠ ક્રમાંક 22)
  • સંપાદક : મનસુખલાલ ઝવેરી, રમણ વકીલ
  • પ્રકાશક : વોરા એન્ડ કંપની
  • વર્ષ : 1966
  • આવૃત્તિ : 2