aage kadam - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

આગે કદમ! આગે કદમ! આગે કદમ!

યારો! ફનાના પંથ પર આગે કદમ!

આગે કદમ: પાછા જવા રસ્તો નથી;

રોકાઓ ના -ધક્કા પડે છે પીઠથી;

રોતાં નહિ -ગાતાં ગુલાબી તૉરથી:

આગે કદમ! આગે કદમ! આગે કદમ!

બેસી જનારા! કોણ દેશે બેસવા!

હર ઘડી સળગી રહ્યાં યુદ્ધો નવાં;

આશા ત્યજી આરામ-સેજે લેટવાઃ

આગે કદમ! આગે કદમ! આગે કદમ!

આગે કદમ: દરિયાવની છાતી પરે,

નિર્જળ રણે, ગાઢાં અરણ્યે, ડુંગરે;

પંથે ભલે ઘૂઘવે કે લૂ ઝરે:

આગે કદમ! આગે કદમ! આગે કદમ!

રહેશે અધૂરી વાટ, ભાતાં ખૂટશે

પડશે ગળામાં શોષ, શક્તિ તૂટશે;

રસ્તે, છતાં, ડૂકી જવાથી શું થશે ?

આગે કદમ! આગે કદમ! આગે કદમ!

આવે આવે સાથીઓ સાથે છતાં,

ધિક્કાર, બદનામી, બૂરાઈ વેઠતાં,

વેરીજનોનાં વૈરનેયે ભેટતાં:

આગે કદમ! આગે કદમ! આગે કદમ!

ક્યાં ઉભશો! નીચે તપે છે પથ્થરોઃ

બાહેર શીતળ, ભીતરે લાવા ભર્યો;

અંગાર ઉપર ફૂલડાં શીદ પાથરો!

આગે કદમ આગે કદમ! આગે કદમ!

તો બધા છેલ્લા પછાડા પાપના;

હોશે ખતમ-જો, ભાઈ, ઝાઝી વાર ના!

પૂરી થશે તારીય જીવનયાતનાઃ

આગે કદમ! આગે કદમ! આગે કદમ!

જ્વાલામુખીના શૃંગ ઉપર જીવવા

તેં આદરી પ્યારી સફર, નૌજવાં!

માતા તણે મુક્તિ-કદંબે ઝૂલવાઃ

આગે કદમ! આગે કદમ! આગે કદમ!

આગે કદમ! આગે કદમ! આગે કદમ!

યારો! ફનાના પંથ પર આગે કદમ!

(1931)

સ્રોત

  • પુસ્તક : સોના નાવડી (પૃષ્ઠ ક્રમાંક 56)
  • સંપાદક : જયંત મેઘાણી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1997