bhitar bhagwo - Geet | RekhtaGujarati

ભીતર ભગવો

bhitar bhagwo

મકરંદ દવે મકરંદ દવે
ભીતર ભગવો
મકરંદ દવે

ભીતર ભગવો લ્હેરે રે

મારા હરિવરની મ્હેરે.

જીવતેજીવ વ્હાલે ચિતા જલાવી

ને હોમ્યાં અંગે અંગ,

જ્યાં જોઉં ત્યાં ઝળહળે હવે

ગુપત ગેરુ રંગ:

દુનિયાને સબ ડેરે રે-

મારા હરિવરની મ્હેરે.

કાળનો એક કબાડી ઊભો

હાટવાટે વિકરાળ,

કોઈ ધ્રૂજે, કોઈ ધ્રુસકે, હું તો

તાળી દઉં તત્કાળ:

તો ખોટુકલો ખંખેરે રે—

મારા હરિવરની મ્હેરે.

અમી વરસે મેહુલા, જ્યારે

ભીતર થાય ભસમ,

ભડકામાં મેં તો ભાળ્યું, વીરા!

લીલું લીલુંછમ:

હું હેરું, કોઈ હેરે રે—

મારા હરિવરની મ્હેરે.

સ્રોત

  • પુસ્તક : બૃહદ ગુજરાતી કાવ્યપરિચય ભાગ 2 (પૃષ્ઠ ક્રમાંક 160)
  • સંપાદક : મોહનભાઈ પટેલ, ચન્દ્રકાન્ત શેઠ
  • પ્રકાશક : ગૂજરાત વિદ્યાપીઠ
  • વર્ષ : 1973