aawo! - Geet | RekhtaGujarati

અમે રે સૂકું રૂનું પૂમડું,

તમે અત્તર રંગીલા રસદાર;

તરબોળી દ્યોને તારેતારને,

વીંધો અમને વ્હાલા, આરંપારઃ

આવો, રે આવો હો જીવણ; આમના.

અમે રે સૂના ઘરની જાળિયું

તમે તાતા તેજના અવતાર;

ભેદીને ભીડેલાં ભોગળ-આગળા,

ભરો લખલખ અદીઠા અંબાર;

આવો, રે આવો હો જીવણ, આમના.

અમે રે ઉધઈ-ખાધું ઈંધણું;

તમે ધગધગ ધૂણીના અંગાર;

પડે પડ પ્રજાળો વ્હાલા, વેગથી,

આપો અમને અગનના શણગારઃ

આવો, રે આવો હો જીવણ, આમના.

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 97)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004