aawe re ghanshyam - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

આવે રે ઘનશ્યામ

aawe re ghanshyam

નાથાલાલ દવે નાથાલાલ દવે
આવે રે ઘનશ્યામ
નાથાલાલ દવે

આજે ચંચલ, હસતી પલપલ દે સંકેત ઈશાન,

ઘર આવે રે ઘનશ્યામ.

સિન્ધુ પરથી વાય સમીરણ,

ડોલે રે મન ડોલે વનવન,

પાંખો વીંઝી મસ્ત વિહંગમ ગાતાં વંદન ગાન...ઘરo

આવે રે પ્રિયતમ આવે

આવે સુંદરતમ આવે,

રે સાગર કેરી સેજ તજી,

ને ઈન્દ્રધનુષનો મુગટ સજી,

વીજસુદર્શન હસ્ત ધરી આવે નયનાભિરામ...ઘરo

પૂર્વ ગગનમાં ઊડે હો ઊડે રથની રેણુ,

દિગ્દિગન્તરાલે એની ગાજે મનમોહન વેણુ,

વિરહાકુલ વસુધા-ગોપી

ઉત્સુક નયને જોતી

આવે સુંદર, નીલ મનોહર એનો જીવનપ્રાણ...ઘરo

સ્નિગ્ધ સજલ સોહે અંબરતલ,

હર્ષે છલછલ, વીજે ઝળહળ,

વત્સલનર પગલે રે જાગે સંજીવન ગાન

દિશ દિશ છલકે અમૃતમય એની કરુણાનાં દાન..ઘરo

સ્રોત

  • પુસ્તક : ઉત્તરાયણ (પૃષ્ઠ ક્રમાંક 28)
  • સંપાદક : દીપક મહેતા
  • પ્રકાશક : નેશનલ બુક ટ્રસ્ટ, ઇન્ડિયા
  • વર્ષ : 2008