aadbiid bhiidii bethaa chho shabdonaa aa kamaad kholo - Geet | RekhtaGujarati

આડબીડ ભીડી બેઠા છો શબ્દોના આ કમાડ ખોલો

aadbiid bhiidii bethaa chho shabdonaa aa kamaad kholo

અનિલ ચાવડા અનિલ ચાવડા
આડબીડ ભીડી બેઠા છો શબ્દોના આ કમાડ ખોલો
અનિલ ચાવડા

આડબીડ ભીડી બેઠા છો શબ્દોના કમાડ ખોલો,

બોલો કંઈક તો બોલો...

એવું તો શું પૂછી લીધું કશું કહો તો ખબર પડેને?

છીપ હોઠની ખોલી નાખો મોતી અમને તો જડેને?

મૌન મગફળી જેમ હોય છે જરાક એને ફોલો,

બોલો કંઈક તો બોલો...

કાન અમારા થયા છે ફળિયું, તમે ઊગો થઈ ચંપો;

નહીંતર જે કંઈ ઊગશે એનું પડશે નામ અજંપો.

હોય, પરંતુ વાતચીતમાં આટલો મોટો ઝોલો?

બોલો કંઈક તો બોલો...

જનોઈવઢ કૈ ઘાવ ઝીંકતી ચુપ્પીની તલવાર,

નહીં હવે ઊંચકાય તમારા નહીં બોલ્યાનો ભાર

ફૂંક વિના તો સ્વયં વાંસળી પણ છે વાંસ એક પોલો,

બોલો કંઈક તો બોલો...

સ્રોત

  • પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ