aabhale kuunchii hoLi - Geet | RekhtaGujarati

આભલે કૂંચી હોળી

aabhale kuunchii hoLi

ચંદ્ર પરમાર ચંદ્ર પરમાર
આભલે કૂંચી હોળી
ચંદ્ર પરમાર

વાયરો સેસુડા જબરા બોલે!

કુલહોમને તોળવા બેઠો તરખલાને તોલે!

સૂરજ સગડો આજ હમચ્યો કૈં આભલે ફૂંચી હોળી,

વાયરે મેલ્યો સગડો ભોડે અંગ ભભૂતી ચોળી;

એક બોકાહે પડતું મેલ્યું ભોળિયા ઓલા હોલે!

હે જી તરખલાને તોલે!–વાયરો0

શામ મહોતાના કાકડા ઊડે હાડિયા ઠામોઠામ,

ગુડા ઓઠે ખિસ્કોલાને ડીલ ધરૂજે ડામ;

પારેવું તો પીલ ડાળે રંગ ગળાના છોલે!

હે જી તરખલાને તોલે!–વાયરો0

લૂ ધૂણીને મેંશ વલોવે, ઝાડવાં ઢીલાં ઘેંશ,

સેમ તળાવે બચ્યો ગારો રુતી ઉડાડે ભેંશ;

બાવળિયાની શૂળે ચકો ડીલ પોતાનું ફોલે!

હે જી તરખલાને તોલે!–વાયરો0

ચાર છેડાએ ચૂલ ચેતાણી દેતવાને હડદોલે,

મોઇડા કેરી પેંછનો ચાંદો આંસ ઊંચી ના ખોલે;

સંજા હેંડી રાખ ભોંહીને ઝાકઝમાળા મો’લે!

હે જી તરખલાને તોલે!–વાયરો0

સ્રોત

  • પુસ્તક : કાવ્યપ્રયાગ (પૃષ્ઠ ક્રમાંક 184)
  • સંપાદક : વેણીભાઈ પુરોહિત
  • પ્રકાશક : સુમન પ્રકાશન
  • વર્ષ : 1978