natawarlaljino garbo - Garbo | RekhtaGujarati

નટવરલાલજીનો ગરબો

natawarlaljino garbo

રામનારાયણ પાઠક 'શેષ' રામનારાયણ પાઠક 'શેષ'
નટવરલાલજીનો ગરબો
રામનારાયણ પાઠક 'શેષ'

નટવરલાલજી રે ચૌટે શાક લેવા ચાલ્યા.

નટવરલાલજી રે જાતાં રાધા વહુને કીધું.

નટવરલાલજી રે આધણ ખીચડીનું ઝટ મૂકો.

નટવરલાલજી રે સાંજે ખીચડી શાક કરજો.

પણ હજી જાઓ છો ને ત્યાં શી આધણની ઉતાવળ.

નટવરલાલજી રે નહિ બસ વખતસર થવું જોયેં.

નટવરલાલજી રે ચૌટે એમ કહીને ચાલ્યા.

નટવરલાલજી રે ચૌટે કૉલેજ મિત્રો મળિયા.

છેલ્લો આજ શો છે જોવા જઈએ ચાલ સિનેમા.

નટવરલાલજી રે પણ મેં જમવા ટાઇમ દીધો છે.

ચલ કહેરાવિયે રે કોને ઘેર જવું છે જમવા!

નટવરલાલજી રે નહિ નહિ ઘરની વાત કરું છું.

બહાનાં શું રે દિયો રે ઘરમાં ટાઇમ હોતા હોશે કે?

નટવરલાલજી રે મંડળી એમ થિયેટર પહોંચી.

નટવરલાલજી રે ત્યાં તો બંધ થિયેટર દીઠું,

એમ શું હારીએ રે જોયા વણ નહિ પાછા જઈએ.

નટવરલાલજી રે બીજે ટિકિટ મળી નહિ જોવા.

તો શું થઈ ગયું રે કાળ નથી કૈં થિયેટરોનો

નટવરલાલજી રે ત્રીજે ફિલ્મ થઈ’તી અરધી.

નટવરલાલજી રે ટિકિટ લઈને અંદર બેઠા.

નટવરલાલજી રે નવ વાગે માંડ પૂરી થઈ.

જોવો રહી ગયો તે પહેલો ભાગ જોઈને જઈએ.

ને કંઈ ખાઈએ રે પેટ ભરીને સૌએ ખાધું.

નટવરલાલજી રે પેટ ભરેલે રસ બહુ લાગ્યો.

નટવરલાલજી રે આખી ફિલ્મ ફરીને જોઈ.

નટવરલાલજી રે રાતે બાર બજે ઘર પૂગ્યા.

નટવરલાલજી રે હળવે રહી ટકોરો માર્યો.

નથી ઉઘાડતી રે મારે કામ કંઈ તમારું.

નટવરલાલજી રે વહુજી ઉતાવળાં માં બોલો,

નટવરલાલજી રે વરજી બોલશું તો શું થાશે?

નટવરલાલજી રે વહુજી છોકરાં જાગી જાશે;

નટવરલાલજી રે વરજી જાગશે તો શું થાશે?

નટવરલાલજી રે વહુજી લડતાં દેખી જાશે.

નટવરલાલજી રે વરજી દેખશે તો શું થાશે?

નટવરલાલજી રે વહુજી પાડોશી સાંભળશે.

નટવરલાલજી રે સાંભળશે તો શું થઈ જાશે?

નટવરલાલજી રે વહુજી સહુ ભેગા થઈ જાશે.

નટવરલાલજી રે ભેગાં થાશે તો શું થાશે?

નટવરલાલજી રે વહુજી હવે મોડો થાઉં.

ખીચડી મુકાવી'તી તે ખાવું કબૂલો તો ઉઘાડું.

નટવરલાલજી રે વહુજી જે કહેશો તે કરશું.

મંહીંથી દીધી નથી રે બ્હારની સાંકળ ઉઘાડી આવો.

નટવરલાલજી રે ખડખંડ ઉઘાડીને ધસિયા.

નટવરલાલજી રે ખડખડ રાધાવહુયે હસિયાં.

નટવરલાલજી રે જે કોઈ ગાય શીખે સાંભળશે,

નટવરલાલજી રે તેની ભવની ભાવટ ટળશે.

સ્રોત

  • પુસ્તક : શ્રેષ્ઠ રા. વિ. પાઠક (પૃષ્ઠ ક્રમાંક 27)
  • સંપાદક : નિરંજન ભગત, ચિમનલાલ ત્રિવેદી
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2012