કૃષ્ણરામ મહારાજ
Krishnaram Maharaj
(ગરબા છંદ)
કેશવ કૃપા નિધાન, અરજી ઉરમાં આણો;
ભક્ત પ્રિય ભગવાન, જીવ દયા મન જાણો.
પુરુષોત્તમ પ્રતિપાલ, આ અવસર તો આપ્યો;
કુટિલ કર્મથી કાલ, કેટલોક તો કાપ્યો.
હજી રહ્યો અવશેષ, જીકર કરંતાં જાશે;
રીઝ કરો હૃષિકેશ, સકળ તમે સુખ થાશે.
બાળક દેખે ખાઉ, પ્રીતે ફરે તે પૂંઠે;
હઠે બતાવે હાઉ, છાતીમાં છળી ઉઠે.
એમ હું અંતરયામી, હેત દેખાડો હરખું;
ગોવિંદ ગરૂડાગામ, થોડા દુઃખથી થરકું.
સેવકને સનમાન, કરીતે સોંપો કામું;
દાસ દું ઠરી દુકાન, નિત્ય લખું નિજ નામું.
ઉઘરાણી ઘરઘર, કરવી ન મુજથી સાધે;
મન ધ્રુજે થરથર, બોલ લોકેના બાધે.
ત્રિકમ ન રહ્યો તાલ, અર્થ નથી કંઈ સરતો;
કળિનો આવ્યો કાળ, કડકડાટ બહુ કરતો.
વિમળ મતિ વિપરીત, વહેવા લાગી સહુની;
પરમારથની પ્રીત, બહાર ખશી ગઈ બહુની.
ઉત્તમ ચારે વરણ, ઉત્તમતાને મૂકી;
કરે અધર્માચરણ, ચિંતન હરિનું ચૂકી.
વાડવ વિદ્યાવાન થઈ, પણ ઘરઘર ડોલે;
શૂદ્ર તણાં સનમાન નહિ, પણ આશિષ બોલે.
વાંચે જે વેદાંત, કણ લોભે કંઈ ઘરમાં;
સમજે નહિ સિદ્ધાંત, ભટકે ભવસાગરમાં.
વિપ્ર પરસ્પર વેર, કામ કારણે કરતા;
જરને મારે ઝેર મમતામાં નિત્ય મરતા.
વિદવત થઈને વ્યાજ, ગરીબ જનનું ગમિયું;
કરે અઘટતાં કાજ, ભ્રાંતે મનડું ભમિયું.
શાસ્ત્ર તણી નહિ સાન, વામ મારગે ચાલે;
કરીને મદિરાપાન, મોટા થઈને મ્હાલે.
ઉર્ણા અડદ ઉપાન, મધુ મહિષીને મહિનું;
દારૂણ લે છે દાન, કાળ સમે કઈ કઈનું.
એકાદશનું અન્ન, બ્રાહ્મણને પણ ભાવે;
ધણીને નોય જો ધન, ઘર ઘરેણું વેચાવે.
મસ લઘુ શંકા લીંટ, દેખંતાં જ્યાં દીસે;
એ ઠેકાણે ઇંટ, માડી પત્રાળી પીરસે.
રામા કરે રૂદંન, હાથ વાળતી હઈએ;
આરોગે ત્યાં અન્ન, કોણ કોણને કહિયે.
રડતા રાજદ્વાર, પંડિત થઈને પક્કા;
દેવડીએ છડીદાર, સહી લે તેના ધક્કા.
તો પણ નાવે લાજ, કિંકર મૂકે કાઢી;
વર્ષાસનને કાજ, દરબારે જાય દહાડી.
નાત નાતતી નિત્ય, બદી કરે બડબડતા;
વર્ષા ઉષ્ણ ને શીત, વેઠી વાટે વઢતા.
અન્ન તણો મુખ ગ્રાસ, તો પણ બોલે ગાળા;
દામ તણા થઈ દાસ, પેટે મારે પાળા.
સસરા કહીને ગાળ, પુત્ર પૌત્રને દેતા;
એળે ચડાવી આળ, લાંચ પટેલ થૈ લેતા.
એક નોતરે ચાર જમવા કાજે જાતા;
ન જુએ વરણાચાર, સૌને ઘેર ઘેર ખાતા.
ગ્રીવા લગણ ભરાઈ, પરનું આવે પ્રાશી;
રાત બધી રગડાઈ, વ્હાણે નાખે વાશી.
પલાંડુ લસણ કલીંગ, મધુ-પુખ્પ ને ગાજર;
અફીણ તમાકુ ભંગ, વ્યસન કર્યામાં હાજર.
બેઠા નિત્ય બજાર, બ્રાહ્મણ નિંદા સાધે;
સગાં સગાંમાં ખાર, કલહ કરીને બાધે.
પરનાતિની રાડ, નિજ નાતોમાં ઘાલે;
દામે ડળકી ડાઢ, મનને માને ચાલે.
ઘરમાં ક્ષિપ્રા ખાય, સરખા થઈ સંબંધી;
કુલીન જમવા જાય, ત્યાંહ ધાકની બંધી.
તજી સ્નાન સંધ્યાય, ભાવે ભાવ્યું ભમવું;
ચિત્તમાં નિત્યે ચહાય, પૂર્વજિયાનું જમવું.
વાટે વાટે વ્યાસ, થઈને માણ વજાડે;
પાંચે બેઠાં પાસ, તેહ તાળીઓ પાડે.
શ્રુતિ સ્મૃતિની વાત, કાળ જીવ ઈશ્વરની;
જાણે નહિ કાંઈ જાત, રાગ તાળ કે સ્વરની.
પિંગળ રીતે છંદ, કવિતા કરી ન જાણે;
પોતા તણા પ્રબંધ, રચી રાગડા તાણે.
જજમાનોથી રીશ, કરીને દાપું લેતા;
નહિતર ફાડી શિષ, રૂધીરે હાથ દેતા.
કઈ ધન કાજે થાય, વોહોરાના વાણોતર;
કઇ કાસદિયે જાય, કઈ ભીખતા ઘર ઘર.
કઈક નાંખતા ટેલ, કઈ વિંટણીઓ વીંટે;
કઈક હાંકતા બેલ, શકટ ભરીને ઇંટે.
કંઇક કરંતા રાસ, નારી રૂપ થઈ નાચે;
મશકરિયોથી હાસ, કઈક કરાવે સાચે.
કઇક પાણી ભરનાર, કઈક રસોઈ કરંતા;
કઈ હોય નાદાર, કઈક કરોડે ફરંતા.
કઈ લે ભરીને દામ, શરપણ શકટ ઇજારે;
કઈ શેઠોનાં કામ, બેઠા કરે બજારે.
એક નાતમાં નાત કળિયે બીજી કીધી;
ગૃહસ્થ ભિક્ષુક જાત, દીકરિયો નવ દીધી.
નમસ્કારની રીત, તજી સલામો કરતા;
પરનાતિતી પ્રીત, મનમાં કદી ન ધરતા.
વાડવ થયા વકીલ, ઘરઘર કેરા ઠાકર;
દિવ્ય વધારે દીલ, યવન તણા થઈ ચાકર.
ફારશિયોના હરફ, વસ્યા વિપ્રની વાણે;
ગજલ રેખતા તરફ, ગમતા દીઠા ગાણે.
દીકરિયોના દામ, હૃદયે લાગ્યા રશિયા;
કરે કારમાં કામ, કેશ ધરે કાનશિયા.
બેસે બનીને બેશ, ચકલે ડંમર હાંકે;
અરધ ઉરાડે કેશ, તારુણિયોને તાકે.
કઈકે કીધાં કામ, વેળા જઈને વંઠી;
નીચ જનોને નામ, આપી બાંધે કંઠી.
કઇક પૂજતા પીર, અવલોકે જઈ ઓરસ;
પયમાં નાંખી નીર, ફક વેચતા ગોરસ.
સાઠે વર્ષે સાન, કઈક મૂકી ઘરેણે;
વારૂ થઈ વિદ્વાન, ફરી ફરીને પરણે.
નાથે કાઢ્યો નરક, પોતે પાછો પેસે;
ગદ્ધાઈમાં ગરક, બાધા થઈને બેસે.
વાડવ ઉપર વેર, આવડું તે ક્યમ આણ્યું;
કળિએ કીધો કેર, કારણ કાંઈ નવ જાણ્યું.
ભલા તમે ભગવાન, હરિ ઉઠાવો હાની;
ગોવિંદ આપો જ્ઞાન, મુખ્ય બ્રાહ્મણને માની.
આ અવસર અલોપ, થઈ જળમાં ક્યમ ઝીલો;
કરીને કરડો કોપ, કળિએ લીધો કીલ્લો.
નરપતિ થઈને ન્યાય, પૂછી જોઈ ન પ્રીછે;
ધન લેવાને ધાય, અનર્થ કઈનો ઇચ્છે.
કઈક વધારી કર, રાંક લોકને રગડે;
જ્યાં જ્યાં દેખે જર, બુદ્ધિ ત્યાં ત્યાં બગડે.
કૂડી ધરતા કાન, ચુગલ જનોની ચાડી;
ઘટવા લાગ્યું જ્ઞાન, દંભી સંગે દહાડી.
વેદ શાસ્ત્રની વાત, કદિ ધરે નહિ કાને;
રાજી રહે દિન રાત, ગુણિકાકેરે ગાને.
ગૌ બાહ્મણ પ્રતિપાળ, કદી કરે નહિ કૂડા;
રાખે નહિ સંભાળ, ભક્ત જનોની ભૂંડા.
શાક ભાજીઓ ફળ, એપર અંત ઇજારા;
વળી બતાવે બળ, ઝોળીવાળા ન્યારા.
કાષ્ટ શકટથી કાઠ, કેટલાક તો કાઢી;
કડકા ભારે સાઠ, દરવાનાદિક દહાડી.
વર્ષે વર્ષે સવાઈ, ઇજારદારિ વધારે;
રઈયત રૂવે રગડાઈ, કો આગળ પોકારે.
ચૌટે જણાવે તોર, દોડાવીને ઘોડા;
રાતે આવે ચોર, ઘર ઘર પડે દરોડા.
ચોરોના અસવાર, બાન પકડતા લૂંટે;
દરવાજેથી બહાર, વહાર કરે નહિ પૂંઠે.
દરવાજે દરવાન, રાંક જનોને રોકે;
કોઈ ધરે નહિ કાન, રડે બિચારા પોકે.
અન્યાયોના દામ, લેઈ ઠરાવે સાચા;
ન્યાયીના લે જો નામ, તો તો હણે તમાચા.
રાખ્ય તણાં સંતાન, રાય આપણને માને;
દુશ્મન થઈ દીવાન, કેદ કરે રાજાને.
થોડો જોઈ અપરાધ, મંદિરિયાને મારે;
બળવંતોનો બાધ, કરી શકે નહિ ક્યારે.
વરતાવે નહિ ધર્મ, રઈયત જનનો રીતે;
પોતે પણ સત્કર્મ, કદી કરે નહિ પ્રીતે.
કળિયે કીધો કેર, જેમ શશિને રાહૂ;
માધવ કરીયે મહેર, જોઈ પોતાના બાહૂ.
વૈશ્ય કરે વિપરીત, તોલ ન સાચાં તોળે;
પરમારથની પ્રીત, મૂકી મગદળ ચોળે.
બાર પાણનો માલ, વીશ પાણે વેચંતા;
દોડાદોડ દલાલ, કળહળ કૈક કરંતા.
કહે ધર્મના સમ, ધર્મ ઘસરડે ધૂળે;
તોયે ત્યમનું ત્યમ, મરદી નાંખે મૂળે.
હેતસ્વી થઈ હાણ, કરીને લે જો ખશિયે;
વદે પરસ્પર વાણ, પોતાની પારશિયે.
દમડી માટે ગાળ, મુખથી માને દેતા;
એક એકની આળ, જઈ દરબારે કહેતા.
લેઇ આપ્યાની આશ, મનમાં ફરી ન રાખે;
દામ તણા થઈ દાસ, મુખથી ભુંડું ભાખે.
જતિ ગુરુ બ્રાહ્મણ દેવ, ગોસાંઈ વિધવાનાં ધન;
સંઘરવાની ટેવ, અંતે ઓળવ્યાનું મન.
ચાર રામની ધર, થઈને કરતા કાળું;
જિરવી કઈનાં જર, દેખાડે દેવાળું.
મનમાં રાખે મેલ, મૂખ જણાયે મીઠા;
ઘૃતમાં ઘાલી તેલ, દેતાં કઈને દીઠા.
કહી બતાવે કાંય, આપે વસ્તુ બીજી;
મગન થયે મનમાંય, તાળી આપે રીજી.
વૈષ્ણવ થઈને વેષ, અબળાને આરાધે;
કરે ધર્મનો દ્વેષ, શિવની નિંદા સાધે.
અજ મૂકાવી ધન, હિંસકને ચવરાવે;
માણસ લાયક અન્ન, શ્વાનોને ખવરાવે.
જીવ દયા પ્રતિપાળ, થઈને કરે ઇજારા;
કઈનો આણે કાળ, શ્રાવક થઈને સારા.
પરધનથી પરતંત્ર, સમજે નહીં શિખામણ;
જપે મૂઠના મંત્ર, કઈને કરતા કામણ.
વેદ વિનાના ધર્મ, વાંચી નિત્ય વખાણે,
કૃષ્ણચંદ્રનાં કર્મ, જીવ સરીખાં જાણે.
કળિ એમ કચ્ચરઘાણ, કરીને પીડે પ્રાણી;
કૃષ્ણ કરો કલ્યાણ, ઊર આપણા જાણી.
દંભી જનનો દાસ, થઈને શીશ નમાવે;
વિઠ્ઠલતણો વિશ્વાસ, શૂદ્રોને મન ભાવે.
ઉત્તમનાં આચરણ, કનિષ્ઠ થઈને કરતાં;
સજ્જન જનનું શરણ, ઓળખિ નવ આચરતાં.
રાજ સેવાની રીત, જાણે નહિ પણ રાખે;
મુખમાંહેથી નિત્ય, મંમો ચચ્ચો ભાખે.
પાપી પંડ પ્રણામ, બાહ્મણને નવ કરતા;
દુઃખે જોડી દામ, દરબારોમાં ભરતા.
જાત્રા જાતાં સંગ, જબરા બેલ જોડાવે;
જ્યમ વળગ્યું હોય વંગ, ત્યમ ગાડી દોડાવે.
મલીન મેલું મન, સંતસંગતિ નવ સૂઝે;
કલ્પિત ગાય કિર્તન, જાત જાતને પૂજે.
ગૌ બ્રાહ્મણને દાસ, કરીને ધર્મે ધાવે;
સેવા બ્રાહ્મણ પાસ, કણબી થઈ કરાવે.
ઝાઝું હોય જો જર, તો તો તાણા તણાવે;
વળી ઘરેણાં ઘર, ચાનક કરી ચણાવે.
શુદ્ધ ધર્મની વાત, હઠથી ઘાલી હેડે;
જમે જમાડે જાત, જણ્યાં જમાઈ તેડે.
કૌતુક સરખું કામ, કળિએ કીધું ભારી;
રક્ષા કરજો રામ, પ્રજા પોતાની ધારી.
કડિયા સુતાર મજુર, વચન પ્રમાણે ન ચાલે;
જોખમ કરે જરૂર, ઘર કરતાં ઘર ઘાલે.
સોની દઈ વિશ્વાસ, કાલને વાયદે કૂંનું;
આપે આઠે માસ, સોનાનું કરી સૂનું.
ધોબી સાળવિ સઈ, ફાટાં વસ્તર સાંધે;
રોક મજુરી લઈ, પણ પોતાનું રાંધે.
વૈદ થયા વાળંદ, શાસ્ત્ર-વાત સંતાણી;
સઈયદ કરી સણંદ, પાય મંત્રીને પાણી.
બ્રાહ્મણ વિના અનંત, ગૃહસ્થ થઈને ભાખે;
શેરીયે શેરીયે સંત, ટેલ નાંખવી શીખે.
વૈરાગી ગોંસાઈ, શસ્ત્ર અંગપર ધરતા;
મારે માંહોમાંઈ, મમતા માની મરતા.
અંતરમાં અભિમાન, બાનું હરિનું બણિને;
દ્વિજનું મોડે માન, બ્રાહ્મણ વાસે ભણીને.
ઉલટી વરણ અઢાર, વેરાગીને વેષે;
ગામ ગામને બહાર બાવા થઈને બેસે.
કરીને ચારે ધામ, પૂજા કરે પૂજારી;
દેવતણાં લેઈ દામ, નિકળી જાય લૈ નારી.
દેઈ બ્રાહ્મણને ધન, ભારે વિદ્યા ભણતા;
વળતા વ્યાસાસન, બેસે સિદ્ધ જ બણતા.
તિલક છાપને માળ, ધરીને કરથી ખેંચે;
કણીક ચોખા દાળ, કઈના લાવી વેચે.
કરમાં લે નહિ દામ, મોટમ રાખે માઝા;
લઈ પુસ્તકનું નામ, જર લે કઈના ઝાઝા.
માંડીને ઘરબાર, લોટ માગતા વહાણે;
લાવી લાકડાં ચાર, જમી આવે જ્યાં જાણે.
વિઠ્ઠલજીનો વેષ, હીંડે વિકળ વગોતા;
મુંડાવીને કેશ, જરને હીંડે જોતા.
ફકીર થઈને ફળ, ભાલાનું કર પકડે;
પૈસા લે કરી બળ, રાંક જનોને રગડે.
ગો બ્રાહ્મણને ત્રાસ, વધતો દિનથી વાધે;
રૂડી વસ્તુની આશ, સાલે સાતે સાધે.
અમ્બુ વરસે અલ્પ, તે પણ નહીં મુખ માગ્યું;
સત્ય રહ્યું છે સ્વલ્પ, તે પણ જાવા લાગ્યું.
પૃથ્વી પણ ગળી જાય, ધન દાટ્યું કર નાવે;
રગડે નિત્યે રાય, જ્યમ જે જનથી ફાવે.
પિતા પુત્રમાં વેર, ભાઈ ભાઈને ભાંડે;
જાત જાતમાં ઝેર, મુખ કો કોથી ન માંડે.
સગાં સહોદર સાથ, બાંધે વેર વધારે;
નર થઈ નારી હાથ, પુત્ર પિતાને મારે.
પૂરણ પાપે તન, આ અવસરમાં આવે;
લેઈ તાતનું ધન, અંતે બહુ અથડાવે.
સ્નેહી સગાં સમસ્ત, કટ કાળજું કોરે;
દાવે દેખી વસ્ત, આપ આપમાં ચોરે.
મુખ તંબોળે લાલ, પહેરે જામા નીચા;
જુઠો જકડી માલ, સત્ય કરાવે વીમા.
રાખીને વેવાર, બાળી નાખે નામું;
માગે જો દેનાર, જુવે ના તેના સામું.
કરનું આપ્યું રોક, નાણું તે પણ નાપે;
સમજે કરવું શોક, વળી ઉલટું શાપે.
પીતળના શણગાર, સુવરણ સરખા કરિને;
વેચે મધ્ય બજાર, ધન લઈ જાય હરિને.
દામે ડળકે દાઢ, મનુષ્ય મનુષ્યને મારે;
ખોદી ઘાલે ખાડ, અલંકાર ઉતારે.
ગમે ગરોડા જોશ, પોમલીયો કર જોતી;
નિર્મળ જાનનો દોષ, કળ્યો ન જાયે કોથી.
દુનિયા સઘળી ડાહી, પોતપોતાના મનથી;
સંત રહ્યા સંતાપ, ઝેર ભરેલા જનથી.
પતિવ્રતાની પેર, નારી જનની નાઠી;
મરદાઈ ગઇ મહેર, માનિનિઓ થઈ માઠી.
થયા વામણા વેષ, આઠ હાથની સાડી;
લાજ રહી નહિ લેશ, તરુણી ઉઠે તાડી.
એક એકથી એક, આગળ પડે ઉજાતી;
અબળા મળી અનેક, પ્રૌઢ પરજિયા ગાતી.
કુટે કઈ કપાળ, મૂકી ઉર ઉઘાડાં;
જણાય નહિ જંજાળ, સંઘટ પેઠાં ગાડાં.
સાયં પ્રાતઃકાળ, મુખ વાળીને રડતી;
લીંટ આંસુને લાળ, દેઈ જીવોને નડતી.
સેજ સ્વારથ કાજ, પતિ પુત્રોને મારે;
દિલમાં રાખે દાઝ, હઠ પોતે નવ હારે.
ખાય શેર બેયેક, તોય કહે નવ ભાવે;
લડે તજીને ટેક, પોળો ચાર જગાવે.
તેલ સરસિયું રાઈ, ખાતી એઠું ટાઢું;
શિક્ષાથી રીસાઈ, અબળા બોલે આડું.
છાની લઈ જાય વસ્ત, મહીયરમાં મનમાની;
માંડે જુદ્ધ થઈ મસ્ત, પાછી ન ધરે પાની.
કાંઈને સાટે કાંઈ, વસ્તુ બતાવે બીજી;
ઘરનાં જન ઘરમાંય, ખરૂં કહેતાં રહે ખીજી.
પીટ્યા કહીને ગાળ, શિશુને દેઈ પછાડે;
પતિતણી પ્રતિપાળ, કરે નાહ પણ ત્રાડે.
હાય હાય કહી આદ્ય વાત કરે વિસ્તારી;
મૂકી નિજ મર્યાદ, નિર્લજ થઈ કુળનારી.
વિવાહ મંગળ દિન, ભુંડું ગાતી ભામા;
જાત જાતના જન, સાંભળવા રહે સામા.
શેરીયે કરતી સોર શ્યામા શરમ ન આણે;
દિવસ ચડે જ્યાં પહોરે, ઘરમાં ઘંટી તાણે.
ઘરમાં હોય જો દુઃખ, ગમતાં ન મળે ઘરેણાં;
મરડીને કહે મૂખ, પાપે તમને પરણાં.
છડે ન વીણે ધોય, તરત ન દેતી તડકા;
રસોયમાં પણ હોય, કોયલા કેરા કડકા.
સાસુ જોઈને સુખ, વહુ કેરૂં મન ખીજે;
વહુનું જોઈને દુઃખ સાસુનું મન રીજે.
અપરમાત કે માત, સુતના ઘરમાં આવી;
જે કાંઈ આવે હાથ, તે તે જાયે સધાવી.
દીકરીયો થઈ દૂત, ફોસલાવી લે માનું;
શળી ન પામે સૂત, કરવા કાર્ય પિતાનું.
કંથ પાસ બહુ કામ, ઘરનાં નિત્ય કરાવે;
ઘરનો કરી ગુલામ, અહરનિશ અથડાવે.
સાચી જુઠી વાત, સુણી લડાઈ લડતી;
સમ ખાઈ સાક્ષાત, રગડે રામા રડતી.
વાંધા પાડી વિશેક, સવળે અવળું સમજે;
એક એકથી એક, ટક્કર લેવી ન તજે.
જંબા જાય ત્યાં જાન, પરનું થતું ન જાણે;
કરી એકઠું ધાન, છાંડે શરમ ન આણે.
કૃષ્ણ-કથામાં વાત એક એકથી કરતી;
કરે આપની ઘાત, કાન કથા નવ ધરતી.
મનમાં જાણે ડહાઈ, વરણન નિજનું ભાવે;
રૂડું કહે રિસાઈ, જાય કથામાં નાવે.
કેટલાં કરૂં વિખાણ કળિનાં જનનાં કંઠે;
ભજન પડે ભંગાણ, વાણી વળતી વંઠે.
સર્વ જનોને સાથ, નમસ્કાર છે મારો;
જોડીને કહું હાથ, હું છું દાસ તમારો.
કરશો કોઈ નહિ રોષ સૌથી હું બહું પાપી;
સૌના ગાવા દોષ, વાણી જ્યારે વ્યાપી.
માટે શ્રી મહારાજ, મુજ સામું કાંઇ જોઈયે;
અન્નાદિકને કાજ, ખોટી થવું તે ખોઈએ.
નાથ દાસને નીત, આ અથડામણ ન ઘટે;
પ્રભુ કરો તો પ્રીત, સાચી મનમાં પ્રગટે.
કોને કહું કિરતાર, આતુર થયો અતિશે;
શ્રીધર કીજે સાર, દિન મારા જ્યમ દિશે.
નરતનું કેરૂં નૂર, રહી ન જાય વિશ્વંભર;
હરિજી રાખો હજુર, અથડાવો મા ઈશ્વર.
દેવ ન જોઈયે દોષ; દાસતણા મનધારી;
રંક ઉપર શો રોષ, મહેર કરો મુરારી.
અન્ય જનોની આશ, કરવી લાગે કરડી;
જોઈયે જગત નિવાસ, પ્રભુજી પાસું મરડી.
પતિત પાવન નાથ , શરણાગતના વત્સલ,
મેં માન્યું મન સાથ, બિરદ તમારાનું બળ.
સત્ય સચ્ચિદાનંદ, વચન તમારૂં જાણી;
આવ્યો ધરી આનંદ, શરણે સારંગપાણી.
વિટંબણાની વાત, દૂરે કરો દામોદર;
જદુપતિ જાણો જાત, સંકટ કાપો સત્વર.
પ્રભુજી રૂડી પેર, ડગતું મન સ્થિર કરીએ;
માધવ કરીએ મહેર, અરજી ઉરે ધરીએ.
ગૌ બાહ્મણ પ્રતિપાળ, આશરે રાખો અમને;
કૃષ્ણરામ કંગાળ, ચરણ શરણ છે તમને.
સ્રોત
- પુસ્તક : કાવ્યપરિચય ભાગ 2 (પૃષ્ઠ ક્રમાંક 80)
- સંપાદક : રામનારાયણ વિ. પાઠક, નગીનદાસ ના. પારેખ
- પ્રકાશક : ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
- વર્ષ : 1928
