gagarno garbo - Garbo | RekhtaGujarati

ગાગરનો ગરબો

gagarno garbo

વલ્લભ ભટ્ટ વલ્લભ ભટ્ટ
ગાગરનો ગરબો
વલ્લભ ભટ્ટ

ગગનમંડળ કરી ગાગરી રે મા;

સુંદર સકલ શોભા ભરી રે મા.

આપે ભવાની ઉમંગ શું રે મા;

રાસ રમે મધ્ય રંગ શું રે મા.

નવ ગ્રહમાં સહુથી વડો રે મા;

આદિત્ય અખંડ કર્યો દીવડો રે મા.

ઝળહળ જ્યોત બિંબ ગોળ-શું રે મા;

ઊગ્યો શશી તે કલા સોળ-શું રે મા.

કોણ કળા ભગવતીના ભેદની રે મા;

કોડિયું કર્યું તે માયે મેદની રે મા.

વાતી વિશાળ મધ્ય મેરની રે મા;

યોજન પંચાસ લક્ષ ફેરની રે મા.

સાત સાગર ભર્યા ઘી-તણા રે મા;

એવા બહુ ખેલ બહુચરાતણા રે મા.

જોતાં જુગત જુગતિ મલી રે મા;

ચોહોદિશે ચારુ મુક્તાવલી રે મા.

સ્થાવર જંગમ અનુરાગ-શું રે મા;

ખાંતે બિરાજે વિભાગ-શું રે મા.

કચ્છપની ગાદી કરી રે મા;

મહામાયાએ માથે ધરી રે મા.

માને મળી તે મન લાગની રે મા;

ઉપર ઊઢાણી શેષનાગની રે મા.

અકલ આકાશની આંકણી રે મા;

ગાગર ઉપર ધરી ઢાંકણી રે મા.

તેત્રીસ કરોડ વિસ્મે થયા રે મા;

આપે આપ ભૂલી ગયા રે મા.

ઉચર્યા અમર એકઠા મથી રે મા;

ગાગરનાં તેજ-તુલ્ય કો’ નથી રે મા.

ત્રણ ભૂમાં કો’ શકે કથી રે મા;

ગુણવંતી થઈ તે તે થકી રે મા.

પરમ મનોહર દૂઝતી રે મા;

સુખે તે દેવને સૂઝતી રે મા.

આઠે પહોરે તે અમી સરે રે મા;

જગત પાન તે બધાં કરે રે મા.

વરસે તે વિવિધ પ્રકાર-શું રે મા;

આવે અખંડ ચાર ધાર-શું રે મા.

અઝર ઝરે તે આઠ યામનાં રે મા;

ધર્મ અરથ મોક્ષ કામનાં રે મા.

અતિ અદ્ભુત વસ્તુ જે હતી રે મા;

પ્રગટ કર્યાં ચારે શ્રુતિ રે મા.

નિર્મ્યાં નિગમ નિજ ધામનાં રે મા;

વિશ્વતણા તે વિશ્રામનાં રે મા.

ત્રણ દેવ ગાગરમાં વસે રે મા;

સદા સમીપ, જોઈ ખસે રે મા.

શિવ વિષ્ણુ વસે છે અંતરે રે મા;

બ્રહ્મા વસે છે નિરંતરે રે મા.

ગાગર ધરે શિર બહુચરી રે મા;

અજર અમર ઈશ્વરી અને રે મા.

સૌ રાસ રમે રસાલી બને રે મા.

નીરખે શોભા તે સુખસાગરે રે મા;

ચૌદ લોક મોહ્યા માની ગાગરે રે મા.

સ્રોત

  • પુસ્તક : કાવ્યસંચય-1 (પૃષ્ઠ ક્રમાંક 136)
  • સંપાદક : અનંતરાય મ. રાવળ, હીરા રામનારાયણ પાઠક
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 1981