mahakalino garbo - Garbo | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

મહાકાળીનો ગરબો

mahakalino garbo

વલ્લભ ભટ્ટ વલ્લભ ભટ્ટ
મહાકાળીનો ગરબો
વલ્લભ ભટ્ટ

મા તું પાવાની પટરાણી કે, કાળી કાળકા રે લોલ,

મા તારો ડુંગરડે છે વાસ, કે ચડવું દોહલું રે લોલ.

મા તારા મંડપની શોભાય, કે, મુખથી શી કહું રે લોલ,

મા ત્યાં જપ કરતા દિઠા કે, વિશ્વામિત્ર ઋષિ રે લોલ.

મા તારા ડાબા જમણા કુંડ કે, ગંગા જમનાં સરસ્વતી રે લોલ,

મા તારાં કુકડિયાં દશ-વીસ કે, રણમાં ચડે રે લોલ.

કોઈ મુગલે મારી નાખ્યાં કે, બોલાવ્યાં પેટમાં રે લોલ,

કે પ્રભાતે પંખીડાં બોલ્યાં કે, કીધો ટહુકલો રે લોલ.

લીધાં ખડગ ને ત્રિશૂળ કે, અસુરને મારીયો રે લોલ,

ફાડી ઉદર નીકળ્યાં બહાર કે, અસુરને હાથે હણ્યો રે લોલ.

આવી આવી નોરતાંની નવરાત્ર કે, મા ગરબે રમે રે લોલ,

માએ છૂટા મેલ્યા કેશ કે, ફૂદડી બહુ ફરે રે લોલ.

માજી કીઓ સજું શણગાર કે, રમું રંગમાં રે લોલ,

ઓઢ્યાં અમર કેરી જોડ કે, ચરણાં ચુંદડી રે લોલ.

માએ કરી કેશરની આડ કે, વચમાં ટીલડી રે લોલ,

સેંથે ભર્યો છે સિંદૂર કે, વેણા કાળી નાગણી રે લોલ.

માજી દાંતે સોનાની રેખ કે, ટીલીની શોભા ઘણી રે લોલ,

પાયે ઝાંઝરનો ઝમકાર કે, વાગે ઘૂઘરા રે લોલ.

ચોસઠ બેની મળી છે ત્યાંય કે, શણગાર શોભા ઘણી રે લોલ,

આવું રૂડું ચૌટું ચાંપાનેર કે, વચમાં ચોક છે રે લોલ.

રાજાની ચતુરા ચંચલ નાર કે, કાળિકાને બેનપણા રે લોલ,

બેની મારી, ગરબે રમવા આવો કે, ભવાની મા કાળકા રે લોલ.

ખેલે મંડપની માંય કે, ફેર ફરે ફૂદડી રે લોલ,

જોવા મળીયા તેત્રીસક્રોડ દેવ કે, ફૂલડાં વેરીયાં રે લોલ.

રાજાએ અંધાર-પછેડો ઓઢ્યો કે, મા તારે હેરડે રે લોલ,

રાજાએ છળ કરી ઝાલ્યો કે, માજીનો છેડલો રે લોલ.

માગ માગ, પાવાના રાજન કે ત્રુષ્ટમાંન થઈ રે લોલ,

માગ માગ પુત્ર કેરી જોડ કે, બંધાવું પારણાં રે લોલ.

માગ માગ, ઘોડાની ઘોડશાળ કે, હસ્તી માગ ઝૂલતા રે લોલ,

માગ તોપો ને તોપખાન કે, જંજાલુ અતિ ઘણા રે લોલ.

માગ ગુજરાત સરખો દેશ કે, ભદ્ર બેસણાં રે લોલ,

માગ સુરત સરખું શહેર કે, બંદર અતિ ઘણાં રે લોલ.

માગ માગ ઉત્તર કેરો ખંડ કે, નવ કોટિ માળવો રે લોલ.

માગ માગ પશ્ચિમ સરખો દેશ કે, રણછોડ રાજ કરે.

માગ માગ નવખંડનું રાજ કે, ચાંદો સૂરજ તપે રે લોલ,

કે માગું એટલડું વરદાન કે, મોહોલે પધારજો રે લોલ.

ફટ ફટ પાવાના રાજન કે, શું માગીયું રે લોલ,

આજથી છઠે ને માસ કે, મૂળ તારું ગયું રે લોલ.

કાળકા સડવડ ચાલ્યાં જાય કે, બજારે નીસર્યાં રે લોલ,

કે બુઢિયો દર દરવાજે દીવાન કે, જઈને પૂછિયું રે લોલ.

કેની કોર પથાના દરબાર કે કેણી કોર રાજવળાં રે લોલ,

માતા ઊગમણા દરબાર કે, આથમણાં રાજવળા રે લોલ.

ક્યાંથી નવલખી આવી પોઠ કે, જોઈ પૂછિયું રે લોલ,

પોઠમાં સી સી વસ્તુ હોય કે, પોઠમાં શું ભર્યું રે લોલ.

પોઠમાં લવીંગ સોપારી એલચી કે, મીસરી ઘણી રે લોલ.

બુઢીએ બુડી નાખી એક કે, લોહીની ધારા ચાલી રે લોલ.

માંહીથી નીકળ્યા મુગલ દૈત કે, ડેરા રોપિયા રે લોલ,

બાંધ્યાં તરવારે તોરણ કે, કાળિકા કોપિયાં રે લોલ.

ભાગ ભાગ પાવાના રાજન કે, પાવો તારો ઘેરિયો રે લોલ,

લીલુડે ઘોડલે માંડવાં પલાણ કે, પેથાઈ ભાગીયો રે લોલ.

રાજા તારી રાણી કાઢ બાહાર કે, કાંકરીયા પાળ ભરી રે લોલ,

ફરતી ફરે માજીની ફોજ કે પાવો ઘેરિયો રે લોલ.

લીધું લીધું ચૌટું ચાંપાનેર કે, રાજા ગઢ રોળીયો રે લોલ,

રોળ્યા સુબા ને સરદાર કે, પુત્ર પાટવી રે લોલ.

જોબનવંતી નારીઓ અનેક કે, મૃગલા વળગ્યા ફરી રે લોલ,

પાટવી પુત્રની નાર કે, તેને છે દુઃખ ઘણાં રે લોલ,

મારીને કીધેલા છે ચકચૂર કે પાવો ઘેરિયો રે લોલ,

સુલતાન ચાલ્યો સંઘે છડીદાર કે, પાવે જઈ મલ્યો રે લોલ.

તેને અભય મળ્યું વરદાન કે, નીર ભર્યાં નેત્રમાં રે લોલ,

માજી હું છઉં તમારો દાસ કે, આપો મને આજ્ઞા રે લોલ.

માનાં લોચન દીઠાં વિકરાળ કે, રાતી આંખડી રે લોલ,

સુલતાન નમ્યો માને શીશ કે, પાયે પડી પ્રીતશું રે લોલ.

માજી વાત વીસારો મન કે, અલ્પ મતિ છે થોડી રે લોલ,

માજી થયાં તેને પ્રસંન કે, માગ ત્રુષ્ટમાન થઈ રે લોલ.

આપું રે તુને વરદાન કે, પાવોગઢ બેસણાં રે લોલ,

માજી થાજો મને પ્રસંન કે, નથી જોતાં રાજ હવે રે લોલ.

માગું ભક્તિ પદારથ વૈરાગ કે સેવું માના ચરણને રે લોલ,

માજીએ મુસ્તક મેલ્યો હાથ કે, નિર્ભે કરી થાપીયો રે લોલ.

સાતમી પેઢીએ આપીશ રાજ કે, પાવો આપીયો રે લોલ,

માનો થાજે તું સેવક કે, નિર્ણે થાપીયો રે લોલ.

ઉપમા કાળકાની કોઈ ગાય કે, શીખે સાંભળે રે લોલ,

ગરબો ગાયે તે વલ્લભ કે, શેવક માનો સહી રે લોલ,

માજી આપજો અવિચળ વાણ કે બુદ્ધિ છે થોડી રે લોલ.

સ્રોત

  • પુસ્તક : કાવ્યસંચય-1 (પૃષ્ઠ ક્રમાંક 135)
  • સંપાદક : અનંતરાય મ. રાવળ, હીરા રામનારાયણ પાઠક
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 1981