વલ્લભ ભટ્ટ
Vallabh Bhatt
અંબા માતા રે મા વીનવું, લંબોદર લાગું પાય;
વાણી આપો રે મા માયા કરી, તેમ અક્ષર આપો માય.
સરસ્વતી ગુણપતિ રે મા સ્તવન કરું, જેના ગુણ ગાયા નવ જાય;
નયણે નીરખું રે મા માતાને, ધન્ય ધન્ય આરાસુરી માય.
શીશે શોભે રે મા રાખડી રે, માને શ્રવણે ઝબૂકે ઝાલ;
માજી રૂપ સોહામણાં રે મા, જેની જોત્ય પડે બહુ ગાલ.
શ્યામ ત્રિવેણી રે મા ચોટલો, માંહી જડિત્ર ગોફણો સાર;
ગોફણે ફરતી રે મા ઘૂઘરી, જેનો સુંદર ઘાટ અપાર.
નીલવટ સોહે રે મા ચાંદલો, ને કુમકુમ કેસર આડ;
આડ અનોપમ રે મા શોભતી, મા વિધવિધ લડાવે લાડ.
વેણ સમારે રે મા આપશું, ને સેંથે ભર્યો સિંદોર;
નયણે કાજલ રે મા સારિયાં, અણિયાળે નાકે મોર.
ચોકે બાંધી રે મા ચૂંદડી, માંહી કસબે બંધ દીસે તોર;
કુમકુમ કેસર રે મા કસ્તૂરી, માંહી ચૂવાચંદનનું જોર.
દાડમ-કળીઓ રે મા દંત છે, ને મુખ ચાવ્યાં તંબોળ;
મુખથી બોલે રે મા મરકલડે, ને નૌતમ કરે કલોલ.
કોટે સોહે રે કટેશરી, માંહી મોતી કીડિયાં જેહ;
ચાંદલો સોહે રે મા સોના તણો, માંહે તનમનિયાં તેહ.
હારલો લહેકે રે મા જડાવનો, માજી કરે તે ઝૂમણું જ્યોત;
માળા લહેકે રે મા મુક્તાફળની, માદળિયે ઉદ્યોત.
ઉપર સોહે મા ઊતરી, માંહી દુગદુગી ભાત અપાર;
કંઠે નૌતમ રે મા કાંઠલો, માંહી રહે પુષ્પના હાર.
ચૂડી રૂડી રે શોભતી, માંહી કાંકણી તેને સંગ;
બાંહે બાજુબંધ રે મા બૈરખા, આભૂષણ ધરિયાં અંગ.
ખટપટ ખળકે રે મા મેખલો, માંહી ઘૂઘરીનો ધમકાર;
વાજો વાજે રે મા રણઝણે, માંહી જેત્ર તણા તણકાર.
ચરણા ચોળી રે મા ચુંદડી, માંહી કુમખો લીલી ભાત;
વસ્ત્ર અનોપમ રે મા પહેરિયાં, તે સર્વ જૂજવી ભાત.
વેઢ વીંટીઓ રે મા આંગળીએ, ને નોતમ દીસે અંગ;
અંગની આંગળીઓ રે મા આપશું ને દર્પણ દીસે સંગ.
કાંબી કડલાં રે મા શોભતાં, ને ઝાંઝર નેપુર સાર;
અણવટ ઠમકે મા અંગૂઠે, ને વીંછિયાનો ઝણકાર.
શણગાર પહેર્યા રે મા શોભતા, તેનાં શાં કરું વખાણ;
તળિયાં રાતાં રે મા પગ તણાં, જાણે ઊગ્યો ભ્રમર ભાણ.
સુરીનર મુનિવર રે મા મોહી રહ્યા, ને મોહ્યા, મોટા ભૂપ;
મોહ્યા મોહ્યા રે મા દેવતા, મા જોતાં તારું રૂપ.
ચોસઠ બેનું રે મા આવિયો, ને માંડ્યો નૌતમ રાસ;
હરખ ધરીને રે મા હમચી, ખૂંદે તાળીઓ વાગે ત્રાસ.
હરતાં ફરતાં રે મા ફૂદડી, ને છંદે ગરબો ગાય;
શોભા શી કહું રે માં તમ તણી, તે કળી કોઈથી નવ જાય.
ગરબે ફરતાં રે મા જાળિયાં, તેના દીપક જ્યોત અપાર;
કમલ દીપક રે મા કોડિયાં, તેની શોભા તણો નહીં પાર.
પાર નવ આવે રે મા તમ તણો, તેના ગુણ ગાય છે ઈશ;
આવ્યા આવ્યા રે મા કાશી થઈ, ઇન્દ્રાદિક સુર તેત્રીસ.
બ્રહ્મા આવ્યા રે મા હંસ ચઢી, ને વૃષભ ચઢી મહાદેવ;
વિષ્ણુ આવ્યા રે મા ગરુડે ચઢી, જેની દેવ કરે છે સેવ.
નાચે નાચે રે મા ઉર્વશી, ને કરે અપ્સરા ગાન;
ગાન ગાવે રે મા નૃત્ય કરે, ત્યાં નાટક થેઈ થેઈ તાન.
જય જય વાણી રે મા સહુ વદે, ત્યાં પુષ્પની વૃષ્ટિ થાય;
હસી રમીને રે મા રાસમાં, તે સ્થાનિક બેઠાં માય.
ભોજન કીધાં રે મન ભાવતાં, પક્વાન્ત દૂધ છે પાસ;
ઝારી ભરી રે મા ગંગાજલી ને મનમાન્યા મુખવાસ.
કર જોડીને રે મા વીનવે, ‘વલ્લભ’ તારો દાસ;
સંકટ ટાળો રે મા સેવકનાં, મા તમે મનની પૂરો આશ.
સ્રોત
- પુસ્તક : મધ્યકાલીન પદ સંચય (પૃષ્ઠ ક્રમાંક 61)
- સંપાદક : ચિમનલાલ ત્રિવેદી, રમણ સોની
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 1998
