Aadhy sundarine nity nava norta re lol - Garbo | RekhtaGujarati

આદ્ય સુંદરીને નિત્ય નવાં નોરતાં રે લોલ

Aadhy sundarine nity nava norta re lol

મીઠો મીઠો
આદ્ય સુંદરીને નિત્ય નવાં નોરતાં રે લોલ
મીઠો

આદ્ય સુંદરીને નિત્ય નવાં નોરતાં રે લોલ,

તે તો આદ્ય ને અનાદ્ય, આવે મોરથાં રે લોલ... આદ્ય૦

જેથી જાહેર થયું છે, બીજ જગતનું રે લોલ;

વિસ્તરી રહ્યું છે, વ્યકતાવ્યક્તનું રે લોલ... આદ્ય૦

જેથી ઈન્દ્રને અસુર સુર ઊપજ્યા રે લોલ,

બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ, રૂ૫ રૂ૫ના રે લોલ... આદ્ય૦

એના રૂપમાં સ્વરૂ૫ રંગ રંગનાં રે લોલ,

ઓપે વસ્ત્રને ઘરેણાં, અંગે અંગના રે લોલ... આદ્ય૦

ગર્દ ગાદલી જે કુરમને શીરે ધરી રે લોલ,

જર્દ જાણીએ સુરે સમી રૂપે ભરી રે લોલ... આદ્ય૦

આછી ઈંઢોણી સોહાવે, નાગ શેષની રે લોલ,

ફુમકી ફણી ઘણી, વિશેષની રે લોલ... આદ્ય૦

ગાવે ગરબો ખગોળ કેશ ગોળનો રે લોલ,

રંગ રાતડો કંકોલ કેરા મોળનો રે લોલ... આદ્ય૦

કર્યું કોડિયું, પૃથ્વી પચાસ ક્રોડનું રે લોલ,

હોડ હારતાં આવે, જોડ જોડનું રે લોલ... આદ્ય૦

સાત સાગરના નીર ધૃત ધાતિયાં રે લોલ,

બની અષ્ટફળ પર્વતની વાટીઆં રે લોલ... આદ્ય૦

મધ્ય કાકડો, કલમ સમ મેરનો રે લોલ,

થયો દ્યોતકાર શિર મહા ફેરનો રે લોલ... આદ્ય૦

જગ જ્યોતમાં ઉદ્યોત દિન-રાતડી રે લોલ,

શું વખાણીએ કરી જાય વાતડી રે લોલ... આદ્ય૦

દાસ અંજાતા નથી તે દયા વડે રે લોલ,

દૈત્ય શાપીઆ પતંગિયાં દડી પડે રે લોલ... આદ્ય૦

હરિ ભક્તનો ઠરાવ એક ટેકમાં રે લોલ,

કહે દાસ ‘મીઠો' ટેક ને વિવેકમાં રે લોલ... આદ્ય૦

સ્રોત

  • પુસ્તક : વંદનીય મુસ્લિમ સંત-કવિઓ (પૃષ્ઠ ક્રમાંક 88)
  • સંપાદક : નૌતમભાઈ કે. દવે
  • પ્રકાશક : શ્રી નારસિંહ પઢિયાર ચેરિટેબલ ટ્રસ્ટ
  • વર્ષ : 2008