Vijogni Garbi - Garbi | RekhtaGujarati

વિજોગની ગરબી

Vijogni Garbi

દલપતરામ દલપતરામ
વિજોગની ગરબી
દલપતરામ

(જઈને કહેજો મારા વાલમને રે - રાગ)

પંખી તું તો મુજ પ્રાણ છે રે,

પરવર ઉડીને આકાશ; પિયુને કહેજો જઈ પંખીડા રે. ટેક.

વા'લા તારી ગોરી ગભરાય છે રે, દિન દિન દીલ રહે છે ઉદાસ.

વનમાં કોયલ ટૌકા કરે રે, ભીતર ભેદે છે જેમ બાણ;

આંખે આંસુ ધારા વહે રે, પ્રેમદા ક્યમ કરી રાખે પ્રાણ? પિ...

થઈ કેમ ઘડિયાળ હું રે? શોભત ગજવામાં પિઉ સાથ;

થઈ વીંટી હું હેમની રે, હરઘડી રહેત પ્રીતમને હાથ. પિ...

વાલમજીના વિજોગથી રે, ભાસે છે વસ્તી ભેકાર

ઘેર પધારો હવે ઘણું થયું રે, છો અબળાના પ્રાણઆધાર. પિ...

કઠણ કર્યું છે કેમ કાળજું રે? પરણીને વિચર્યા પરદેશ;

નાથ નમેરા એમ શું થયા રે? વિનતા મેલી બાળે વેશ. પિ...

ચાર ઘડી પિયુ ચૌટે જતા રે, જાણીએ વહી જતા રે જુગ ચાર;

પળપળ પંથ નિહાળતી રે, વદતી “પિયુ પિયુ” વારંવાર. પિ...

સાંજ પડે આવે સાહબો રે, સૂરજને દેતી હું શાપ;

જાણું ક્યારે આથમે રે? મારે પિયુનો થાય મેળાપ. પિ...

દહાડા દુ:ખે વીતે હવે રે, રોતાં રોતાં રજની જાય;

ચમકે વીજ મેહુલા ઝરે રે, ત્યારે અંતર અતિ અકળાય. પિ...

ઉત્તમ આવે દિન પર્વના રે, સૌને ઉર ઉપજે ઉત્સાહ;

મારે હોળી હૈયે બળે રે, દેખી દીલમાં લાગે દાહ. પિ...

વાજે વાજાં વિવાહનાં રે, મારા ઘટમાં વાગે ઘાવ;

ભોજન સારાં હું શું કરું રે, ભોજન કરવા વધે ભાવ. પિ...

સારસડી પણ સદ્ભાગણી રે, હરઘડી રહે કંથ હજૂર;

વૃક્ષે વેલી વળગી રહી રે, દૈવ! હું રહી પ્રીતમથી દૂર. પિ...

મળવા કાજે મનડું તપે રે, જીવ તલશે આઠે જામ;

જઈને જો તું લાવે અહીં રે, દેશે આશિષ દલપતરામ. પિ...

સ્રોત

  • પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 75)
  • સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
  • વર્ષ : 2002