Vijog Vishe - Garbi | RekhtaGujarati

વિજોગ વિષે

Vijog Vishe

દલપતરામ દલપતરામ
વિજોગ વિષે
દલપતરામ

(‘મારું સોનાનું છે બેડું રે, છેલ છબીલા છોગાળા' - રાગ.)

કહે શામા સુણ સાહેલી રે, પીઉ પધાર્યા પરદેશે;

મુજને એકલડી મેલી રે, ભર જોબન બાળે વેષે.

સાસરીઆમાં સુખ શાનું રે, વાલમજીના જોગ વિના;

પીયર ગમે પોતાનું રે, બનવી રહી બાકી બીના.

રોતાં વીતે છે રજની રે, દિવસે દિલમાં દાઝું છું;

શું કહીએ ઝાઝું સજની રે, લોકની લાજે લાજું છું.

સૈયર મારો સંદેશો રે, પોંચાડે કોણ પ્રીતમને;

ઉરમાં આવે અંદેશો રે, અવગુણ ગણી તજીઆં અમને.

અલબેલો જો નહિ આવે રે, જીવલડો મારો જાશે;

સમજણ દઈ કોણ સમજાવે રે, કંથ હત્યારો કહેવાશે.

જગમાં જન સઘળા જાણે રે, દિલમાં એને ખૂબ દયા;

તે ટેક તજી ટાણે રે, કંથ નમેરા કેમ થયા.

રૂદયામાં કરુણા રાખી રે, મન મોહન આવે મળવા;

પરણીને પરવશ નાંખી રે, રસીયો તુરત ગયો રળવા.

રૂદયામાં સમજી રહીએ રે, વિજોગના દુઃખની વાતો;

ક્યાં જઈને દુઃખડાં કહીએ રે, ઘરધણીએ કીધી ઘાતો.

મુજને પીઉ ક્યારે મળશે રે, કંથ વિના સરવે કાચું;

તનનાં દુઃખ ક્યારે ટળશે રે, સજની તું કેને સાચું.

જો પંડ વિષે હોય પાંખો રે, ઉડી જઈ મળીને આવું;

એકવાર મેળાવું આંખો રે, લલચાવીને ઘેર લાવું.

પોપટડા પાંખો વાળા રે, વાલમ પાસે જા વીરા;

રસકસ આપીશ રૂપાળા રે, વળી માણેક મોતી હીરા.

પાંજરીયું તારું પ્યારા રે, સરસ ઘડાવીશ સોનાનું;

જ્યાં જીવનજી છે મારા રે, છેક વચન કહેજે છાનું.

અતિ રુદન કરે છે રાધા રે, જીવન વિચર્યા છે જે દિનથી;

બાંધી અનજલની બાધારે, તન દાઝે છે તે દિનથી.

તમ વિના રહે ટળવળતીરે, શી રીતે સંતાપ સહે;

વાલમ પસ્તાશો વળતી રે, પ્યારીના નહિ પ્રાણ રહે.

પ્રીતમજી ઘેર પધારો રે, દિલમાં લાવી કંઈક દયા;

વનિતાનો હરખ વધારો રે; બળવંતા શું બેસી રહ્યા.

શૂળીનું સંકટ સારું રે, વિજોગનું તેથી વસમું;

હળવે હળવે હણનારું રે, સંકટ તો તેના સમું.

કોઈ પણ પ્રીતમ પ્યારીને રે, વિશ્વ વિષે વિજોગ થશો;

નવ નીધી છતાં નારીને રે, કંથવિના નહિ લાવ કશો.

પરથમથી પ્રીત વધારી રે, સાથ રાખી શા માટે;

વળતી મેલી વિસારી રે, અંતર દાઝે માટે.

હવે ઘણી થઈ ઘેર ચાલો રે, સમજુ છો ઘણું શું કહીએ;

અબળાને ધીરજ આલો રે, રીસ કરી હવે રહીએ.

થીરતા રાખીને થાકી રે, શાણપણે સુખ દુઃખ સહી;

બનવાની નહિ રહી બાકીરે, હિંમત હૈડામાં રહી.

રોઈરોઈને આંખો રાતી રે, કીધી છે તે કામનીએ;

છણછણ દાઝે છે છાતી રે, ભજન ધર્યું છે ભામનીએ.

તેનું દુઃખ ટાળે તેવી રે, જડીબુટી જગમાં જડે;

અતિ અદ્ભુત પીડા એવી રે, નારીને નીત્ય નીત્ય નડે.

એટલું જઈ પિયુની આગળ રે, કથન વિચારીને કે'જે;

વળી લાવ લખાવી કાગળ રે, જે જોઈએ તે તું લેજે.

રૂડી રસની રીતિ રે, દલપતરામે કહી દીધી;

પ્રીતમ પ્યારીની પ્રીતિ રે, લાયક જાણી દીલ લીધી.

રસપ્રદ તથ્યો

થીરતા = ધીરતા

સ્રોત

  • પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 63)
  • સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
  • વર્ષ : 2002