vaabhaaino khel - Garbi | RekhtaGujarati

(“ગોકુળીએ લઈ ચાલો રે” રાગ)

એક દિન વા બહુ ગર્વે ભરાયો,

ધાંધળ કરવાને ધાયો રે, વાએ ખેલ મચાવ્યો. (ટેક.)

પહેલાં તો તે દરીઆ ભણી દોડ્યો,

વહાણ તણો શઢ તોડ્યો રે. વાએ ખેલ૦

ભોળા ઉતારૂને ભયભીત કીધા,

કંઈક તણા ભોગ લીધા રે. વાએ ખેલ૦

ત્યાંથી પછી ગામડા ભણી ધાયો,

ચોરા ઉપર ચઢી આવ્યો રે. વાએ ખેલ૦

ચોરેથી ચલમ પટેલની પાડી,

માથેથી પાઘ ઉરાડી રે. વાએ ખેલ૦

હાથ બેઢું ધરી ઘુંઘટ તાણી,

પટલાણી જાય છે પાણી રે. વાએ ખેલ૦

ઘુંઘટ પેસતાં વા નવ લાજ્યો,

કાનમાં પેસીને ગાજ્યો રે. વાએ ખેલ૦

રેંટીઓ કાંતતી ડોશીને દેખી,

વાયુએ તૃણવત્ લેખી રે. વાએ ખેલ૦

સૂતર તોડ્યું ને પૂણી ઉરાડી,

ડોશી ઉઠી રાઢ પાડી રે. વાએ ખેલ૦

સૂર્ય કહે ભાઈ બળીઆથી લઢીએ,

નિર્બળને નવ નડીએ રે. વાએ ખેલ૦

વાયુ પછી વડા શહેરમાં આવ્યો,

રાજાનો મ્હેલ હલાવ્યો રે. વાએ ખેલ૦

તોડ્યું નિશાન અને ભુર ભાખે,

“ધરતી ધ્રુજે મુજ ધાકે રે. વાએ ખેલ૦

પહાડ ને પર્વત નાંખું હલાવી,

આકાશ મુકું ગજાવીરે.” વાએ ખેલ૦

સૂર્ય કહે એવું વદીએ ભાઈ,

મિથ્યા કરીએ બડાઈ રે. વાએ ખેલ૦

સુણતાં સૂર્યને ધૂળથી ઢાંક્યો,

પાણીછલો કરી નાંખ્યો રે. વાએ ખેલ૦

ગર્વ ધરી પહાડ તોડવા દોડ્યો,

પર્વતે વાયુને ઓડ્યો રે. વાએ ખેલ૦

મારે ઝપાટા ને પાડે બરાડા,

સ્થિર થઈ ઉભા કરાડા રે. વાએ ખેલ૦

જોર કર્યું પણ કંઈ નવ ચાલ્યું,

શિખર હલાવ્યું હાલ્યું રે. વાએ ખેલ૦

થાકીને વા પછી ગલીઓમાં ધાયો,

ખાડા ને ખોમાં ભરાયો રે. વાએ ખેલ૦

આગળ જાવાનો રસ્તો સૂઝે,

વાયુ તો થરથર ધ્રુજે રે. વાએ ખેલ૦

ઉંચે ચઢે વળી ઉતરે હેઠો,

થાકી ગુફામાંહી પેઠો રે. વાએ ખેલ૦

શોધતો આવી ચઢ્યો રવિ શાણો,

વાને ગુફામાંથી આણ્યો રે. વાએ ખેલ૦

વંઠેલા વાયુને ઉધડો લીધો,

પાણીથી પાતળો કીધો રે. વાએ ખેલ૦

સ્રોત

  • પુસ્તક : સુબોધ ગરબાવળી (પૃષ્ઠ ક્રમાંક 52)
  • સર્જક : બાપાલાલ ભાઈશંકર ભટ્ટ
  • પ્રકાશક : પોતે
  • વર્ષ : 1918