Undarni garbi - Garbi | RekhtaGujarati

ઊંદરની ગરબી

Undarni garbi

પીતાંબર પીતાંબર
ઊંદરની ગરબી
પીતાંબર

ઊંદર કેર કરે છે રે, દુઃખડાં કોને કહેવા જઈએ?

અમને નિત્ય રંજાડે રે, ઘરમાં કેમ કરીને રહીએ?

ઘર મધ્યેથી દોડી આવે, બિછાના પર બેસે;

ફૂંકી ફૂંકી ચાંચ મારે, ના ખબર તેની રે' છે. ઊંદર૦

ચાર પહોરની રજનીમાં રે, એક ઘડી નવ જંપે;

નિદ્રામાંથી જાગું ઝબકી, તવ કાયા મારી કંપે. ઊંદર૦

પોથી પુસ્તક કાપી નાખ્યાં, બાકી રાખ્યું એક;

ઝાલી ઝાલી થાકી ગયો, ૫ણ પાર આવ્યો છેક. ઊંદર૦

ધોતી પોતી કાપી ખાધી, દોરી કાપી આખી;

અબોટિયુ અંગરખું કાપ્યું, તેનો સૂરજ સાખી. ઊંદર૦

જળ પીવાનું બોટી ગયા ને, તેલ ઢોળી દીધું;

બરણીમાં જે બાકી રહ્યું તે, સરવે મળીને પીધું. ઊંદર૦

ચૂચું ચૂચું ચીસે પાડે, લીંડી ઝાઝી પાડે;

ઢંઢોળીને હાંકું ત્યારે, દોટો ઝાઝી કાઢે. ઊંદર૦

ગણપતિની ચોથ કરીએ, તે કરતાં નથી ચૂક્યા;

લસલસતા લાડુ કરીને, ઊંદરમામાને મૂક્યા. ઊંદર૦

દીવો જો બળતો રાખું તો, દિવેટ તાણી જાયે;

એમ કરતા જે ઊંઘી ગયા તો, લંકા જેવું થાયે. ઊંદર૦

જે દિવસના ગામ ગયા'તા, તે દિવસના ઘરમાં પડિયા;

કોઠી પેટી કાપી ખાધી, રીતે મને નડિયા. ઊંદર૦

પાંજરા મૂકી મૂકી થાકયો, તોયે ઝાલ્યા નવ ખૂટે;

ખાવાનું ઉઘાડી નાખી, જાણે ગોળનું ગાડું લૂંટે. ઊંદર૦

એહ પશુને શું કરીએ? મને રીસ ગઈ છે વ્યાપી;

માળા મારી ફેરવવાની ગૌમુખી સુદ્ધાં કાપી. ઊંદર૦

નિત નિત દુઃખડાં દે છે અમને, ક્યાં જઈએ અમે નાસી?

ભગત ‘પીતાંબર’ એમ કહે, એને મળજો વાઘની માસી. ઊંદર૦

સ્રોત

  • પુસ્તક : શ્રી ભજનસાગર: ભાગ ૧-૨ (પૃષ્ઠ ક્રમાંક 425)
  • પ્રકાશક : સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય
  • વર્ષ : 1963