દલપતરામ
Dalpatram
એક ઠાકોરનો જુઓ ઠાઠ, ઠરેલો સૌ ઠામે;
જેનો જશનો પવિત્ર છે પાઠ, ઠરેલો...
ઘણાં પરગણાં તેને ઘેર, એક એકમાં એક છે શહેર ઠરેલો...
જાણે રાજધાની એજ હોય, નકી કેમ કહી શકે કોય? ઠરેલો...
કિયા ધનવંતનાં હશે ધામ, નવ જાણું હું તેઓનાં નામ. ઠરેલો...
દીસે દૂરથી રૂડો દેખાવ, ભાળી અંતરે ઉપજે ભાવ. ઠરેલો...
તેના તાબામાં નગર અનેક, આપે આધાર તે એક એક, ઠરેલો...
પરાં છે વળી નગરની પાસ, કોણ જાણે ત્યાં કેનો છે વાસ? ઠરેલો...
જ્યાં જ્યાં જોઈએ ત્યાં વસ્તી જણાય, નવી નિપજે ને જૂની તે જાય. ઠરેલો...
ભૂપ લે છે સૌ સંભાળ, ઘણો પ્રેમી પ્રજા-પ્રતિપાળ, ઠરેલો...
એકલો તે કરે ઇનસાફ, મહેર આવે તો કરે માફ. ઠરેલો...
એક છત્ર કરે છે રાજ, નથી પડતું પ્રધાનનું કાજ. ઠરેલો...
એની શક્તિ છે અપરમપાર, નથી એનાથી છાનું લગાર. ઠરેલો...
એને જોઈ ન શકે કોઈ જેમ, એ તો ઓજલમાં રહે એમ. ઠરેલો...
નવ બોલે કોઈ સાથે બોલ, એવો તખતનો રાખે છે તોલ, ઠરેલો...
નથી દેતો લેતો હાથેહાથ, નથી નજરે દીઠા કોઈને નાથ. ઠરેલો...
એનું કામ દેખીને કહેવાય, રહ્યો છાનો ત્રિભુવનરાય. ઠરેલો...
ઠાલો ન મળે એના વિના ઠામ, દીલે ધારે છે દલપતરામ. ઠરેલો...
ઠાકોર - પરમેશ્વર; ઘણાં પરગણાં તેને ઘેર - સૂર્યમાળા; શહેર - સૂર્ય; નગર - ગ્રહ; પરાં - ઉપગ્રહ
સ્રોત
- પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 158)
- સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
