sudhara ni chadhai ni garbi - Garbi | RekhtaGujarati

સુધારાની ચઢાઈની ગરબી

sudhara ni chadhai ni garbi

દલપતરામ દલપતરામ
સુધારાની ચઢાઈની ગરબી
દલપતરામ

સુધારો રાણો રણમાં ચડ્યોરે, ફાવે તેવી લઈને ફોજ;

વેરી વહેમની ઉપરેરે, ગુસ્સો લાવી ચિત્ત ઘણોજ;

પડઘમ લાગે રસપૂરમાંરે.

રાણીજાયો રણમાં લડેરે, શત્રુથી સજવા સંગ્રામ;

સાથી તેના શાણા ઘણારે, થાણાં થાપ્યાં ઠામો ઠામ. પડ...

પુસ્તક રૂપી કમાનથીરે, બહુ વિધનાં છુટે છે બાણ;

ચિંતવી ચોટ ચુકે નહિરે, પાપી વહેમના લે પ્રાણ. પડ...

નકશા નૌતમ વાવટારે, નિશાળ રણભૂમિ નિરધાર;

પલટણ બાળક ને બાળકીરે, શિક્ષક શાણા સરદાર. પડ...

લેખણ રૂપી ભાલા ભલારે, સાલે શત્રુને થઈ સાલ;

બખતર ટેકનાં બનાવિયાંરે, ધારી ધીરજ રૂપી ઢાલ. પડ...

ગોળા ભૂગોળ ખગોળનારે, જીરણ કિલ્લા જૂના ચાલ;

તે તો માંડ્યા છે તોડવારે, જે કાંઈ હલકા જાણ્યા હાલ. પડ...

શૂરા પૂરા સનમુખ લડેરે, બીકણ છાના રહીને છેક;

જીત સુધારાની સૌ ચહેરે, અદ્ભુત કરે ઉપાય અનેક. પડ...

કષ્ટ પડે આવી કંઈકનેરે, સાંખે સ્વદેશના સુખ કાજ;

સૌ જન સાચાં સુખ ભોગવેરે, થાય સુધારાનું જો રાજ. પડ...

દેશ સુધારાને કારણેરે, કંઈક કીધાં શિર કુરબાન;

કર્યા પ્રવાસ વિલાયતેરે, સંકટ સાંખ્યું યુદ્ધ સમાન. પડ...

રકમો આપીને રોકડીરે, કંઈકે કર્યા સુધારા સ્થાન;

પુસ્તકશાળા, આદિક રચ્યાંરે, વધવા વતનીજનનું જ્ઞાન. પડ...

વેરી વહેમની ફોજનુંરે, કોઈ કોઈ વખતે જોર જણાય;

ગોળા ચાલે ગપ્પોતણારે, જોતાં ઉડી હવામાં જાય. પડ...

દિન દિન આપણા દેશમાંરે, થજો સુધારો ઠામો ઠામ;

ઈશ્વર આગળ એટલું, દિલથી માગે દલપતરામ. પડ...

સ્રોત

  • પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 190)
  • સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
  • વર્ષ : 2002