sona ni araji : garbi - Garbi | RekhtaGujarati

સોનાની અરજી : ગરબી

sona ni araji : garbi

દલપતરામ દલપતરામ
સોનાની અરજી : ગરબી
દલપતરામ

સોને જગસ્રષ્ટા પાસ, અરજી ઉચ્ચારી;

“ઓ સુણિયે શ્રી અવિનાશ, અરજી મારી! ટેક.

શેઠ સદનમાં મહોરો રૂપે, રહું છું દિન ને રાતરે;

મિજલસમાં અપમાન મળ્યું મને, સુણો વિતકની વાત. અરજી...

પેટીમાં મને પૂરી મૂક્યું, પુષ્પ ગણ્યાં ગુણવાનરે:

મુજથી મોટું પુષ્પો પામ્યાં, ભરી સભામાં માન; અરજી...

મુજ તનમાં જો સુગંધ સરજો, તો હરિ તેમ થાયરે!

પુષ્પ પ્રમાણે માન હું પામું, મુજ મન શોક સમાય. અરજી...

દેવે તેને ઉત્તર દીધો, સુણ સોના તજી શોકરે;

પરગુણ દેખી દ્વેષ ધરે, તે ફજેતી પામે ફોક. અરજી...

એકેક ગુણ ઉપયોગી દઈને, સરજી વસ્તુ સર્વરે;

જેથી ગુણ બીજાનો જોઈને, તજે પોતાનો ગર્વ; અરજી...

હલકામાં પણ હોય ગુણ મોટો, જેથી જન ચિત ચહાયરે;

એકજને ગુણ અનેક દઉં તો, બીજી નકામી થાય. અરજી...

મોતી મોંઘા મૂલતણાં પણ, માંહી નહિ મીઠાશરે;

જુવાર તો જનને જીવાડે, દુકાળમાં દઈ આશ. અરજી...

માટે મનની ઇર્ષા મેલી, સોના સજ સંતોષરે;

તારા ગુણથી તું રાજી રહે, દઈશ કોઈને દોષ. અરજી...

કુંભારનું કોઈ કરવા બેસે, કામ વડો વિદ્વાનરે;

કદી બરાબર કરી શકે નહિ, ઉલટું લે અપમાન. અરજી...

યથાર્થ રીતે તે કરી જાણે, જે છે જેનું કામરે;

દેખી અદેખા દિલમાં દાઝે કહે દ્વિજ દલપતરામ. અરજી...

સ્રોત

  • પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 163)
  • સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
  • વર્ષ : 2002