rusanun - Garbi | RekhtaGujarati

રૂસણું

rusanun

નર્મદ નર્મદ
રૂસણું
નર્મદ

(ગરબી)

સખી, રૂઠ્યો છે આજ રસિક સામળો જો;

હશે પાતળાના પેટમાં શો આમળો જો? સખીo

સખી, ખાવા ધાયે છે ચંદન ખાટલો જો;

નથી કોદી રિસાયો તે સુંદર આટલો જો. સખીo

સખી, ચંદ્ર મને આજ બાળે છે બહુ જો;

સજન સાથ સહિયર મહાલતી હશે સહુ જો. સખીo

સખી, વાળા વીજણ વા તે લૂ લહું જો;

ભભૂકા ઊઠે છે ભીતરે શું શું કહું જો? સખીo

સખી, બોલી ચાલી રિસાવા સમું જો;

વિના કારણે વેદના કેમે ખમું જો? સખીo

સખી પાણી મૂક્યું હું પીઉં જમું જો;

અરે, લાવ મનાવી તુંને પાયે નમું જો. સખીo

સખી, નર્મદાને દૂખ કેમ આલતો જો?

કહેજે આવી જરા ભૂંડા તું હાલ તો જો. સખીo

કહેજે નર્મદા મૂકી તું કહાં મહાલતો જો;

લઇ ગાલરે દરસાવ જૂઠું વહાલ તો જો. સખીo

સ્રોત

  • પુસ્તક : શ્રેષ્ઠ નર્મદ (પૃષ્ઠ ક્રમાંક 24)
  • સંપાદક : રમણ સોની
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2023