પૃથ્વીરૂપી ગાલીચા વિષે ગરબી
prithvirupi galicha vishe garbi
દલપતરામ
Dalpatram
દલપતરામ
Dalpatram
ગુંથ્યો કેણે આ રૂડો ગાલીચો? નજર કરો પાથર્યો છે નીચો. ગુંથ્યો... ટેક.
કરી એમાં કારીગરી સારી, બુટા ને વેલો વચ્ચે ધારી,
બનાવ્યો જેણે તેની બલિહારી. ગુંથ્યો...
ચેતનમય ચિત્ર રૂડાં ચળકે, ઝાઝાં મણિ માણેક માંહિ ઝળકે,
નદીઓનાં નિર્મળ જળ ખળકે. ગુંથ્યો...
સાગર ને શૈલ સરોવર છે, ભૂચર ને ખેચર જળચર છે,
નગર વન નારીઓ ને નર છે. ગુંથ્યો...
સોના રૂપા સહિત બધી ધાતુ, કહેતાં નથી જીભે કહ્યું જાતું,
ગાલીચાનું મૂલ નથી થાતું. ગુંથ્યો...
ગાલીચામાં રંગ બધા રાજે, કર્યો છે જુઓ આપણા કાજે,
ઉપર મેઘાડંબર છત છાજે. ગુંથ્યો...
બનાવ્યો હશે જેણે ઓ બાઈ! કહો તેની કેવી ચતુરાઈ?
શોભે જેની અદ્ભુત સરસાઈ. ગુંથ્યો...
કારીગરની કીરતી કરીએ, અધિક ઉપકાર અંતર ધરીએ,
દિને દિને દીનતા ઉચ્ચરીએ. ગુંથ્યો...
ગાલીચાની ગરબી ગાઈ આ મેં, પ્રભુનો મહિમા છે પરિણામે,
દિલ એમ ગણ્યું દલપતરામે. ગુંથ્યો...
સ્રોત
- પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 157)
- સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
- વર્ષ : 2002
