Premi na joda vishe - Garbi | RekhtaGujarati

પ્રેમીનાં જોડાં વિષે

Premi na joda vishe

દલપતરામ દલપતરામ
પ્રેમીનાં જોડાં વિષે
દલપતરામ

(હું તો ઈશ્વરને પૂજવા નીસરી રે લોલ, ચોખા કંકાવટી ને કંકુ વીસરી રે લોલ. - રાગ)

સુરજ હો ભલે શોભીત, તેથી શું થયું રે લોલ,

ચિત્ત ચંદ્રમાં ચકોરનું ઠર્યું રે લોલ;

કોઈ ચંદ્રને કહે સારો શોભીત છે રે લોલ,

પદ્મને તો સૂર્ય સાથે પ્રીત છે રે લોલ.

મીન સર્વ સુખ માને રહી નીરમાં રે લોલ,

ખેદ પામીને મરે, તે ખીરમાં રે લોલ;

પ્રીત દીપકમાં લાગી છે પતંગની રે લોલ,

શુદ્ધ નહી સુખ દુઃખ સંગની રે લોલ.

પતિમાં પતિવ્રતાની એવી પ્રીત છે રે લોલ,

એજ એને સર્વથી શોભીત છે રે લોલ;

નેણ આપણાં તે આપણાજ કામનાં રે લોલ,

પારકાં નેણાં તે નેણ નામનાં રે લોલ.

એમ ઇંદ્રથી અધિક વલ્લભ આપણો રે લોલ;

ગુણ રૂપ ને ગરથ માપણો રે લોલ;

ધ્રુવ માછલીનું મુખ ધ્રુવ ભણી રે લોલ,

તે વિના બીજાની તુચ્છતા ગણી રે લોલ.

સૂર્ય ચંદ્ર સામું કોઈ મુખ ઠેરવે રે લોલ,

તે ભણી તે તરત પુંઠ ફેરવે રે લોલ;

જેમ વીજળીને પ્રીત વરસાદમાં રે લોલ,

નાગને તો મોરલીના નાદમાં રે લોલ.

જેમ ભમરનો ભાવ મકરંદમાં રે લોલ,

પોયણીનો પ્રેમ પૂરો ચંદમાં રે લોલ;

પૂરો પ્રેમ માંહો માંહે રાખે દંપતી રે લોલ,

એક એકના વડે શોભે અતી રે લોલ.

શોભે નિશા વડે ચંદ્ર ચંદ્રથી નિશા રે લોલ,

દિશા વડે કિરણ, કિરણથી દિશા રે લોલ;

સભાથી શોભે પંડિત, પંડિતથી સભા રે લોલ,

પ્રભા વડે ભાનુ, ભાનુથી પ્રભા રે લોલ.

શોભે ધીર વડે ઢાલ, ઢાલથી ધીરો રે લોલ,

હીરા વડે શોભે હેમ, હેમથી હીરો રે લોલ;

શોભે સેના વડે ભૂપ, સેના ભૂપથી રે લોલ,

ગુણ વડે શોભે રૂપ, ગુણ રૂપથી રે લોલ.

શોભે પદમ વડે નીર, પદમ નીરથી રે લોલ,

મુગટ વડે શોભે શીર, મુગટ શીરથી રે લોલ;

શોભે પ્રાણ વડે દેહ, પ્રાણ દેહથી રે લોલ,

નારી વડે નેહ, નારી કંથથી રે લોલ.

શોભે માત વડે બાળ, બાળ માતથી રે લોલ,

રાગ વડે તાળ, રાગ તાળથી રે લોલ;

શોભે મુખ વડે દંત, મુખ દંતથી રે લોલ,

નારી વડે કંથ, નારી નેહથી રે લોલ.

શોભે ભક્તિ વડે ભાવ, ભક્તિ ભાવથી રે લોલ,

શઢ વડે નાવ, શઢ નાવથી રે લોલ;

શોભે છે દયાથી દાન, દયા દાનથી રે લોલ,

વાજાં વડે ગાન, વાજું ગાનથી રે લોલ.

એવાં જોડાં શોભે છે એક એકથી રે લોલ,

જો હળીમળી વસે વિવેકથી રે લોલ;

હૃદે રાખો રૂડાં દલપતરામનાં રે લોલ.

જે કહ્યાં તે કથનો છે કામનાં રે લોલ.

રસપ્રદ તથ્યો

ખીરમાં - દૂધ; વલ્લભ - સ્વામી, મકરંદ - ફૂલમાં રસરૂપે રહેલું મધ નોંધ : ચોથી પાંચમી આવૃત્તિમાં કડી 'પતિંમાં પતિવ્રતાની એવી પ્રીત છે રે લોલ'માં ‘એવી’ શબ્દ નથી. પાંચમી આવૃત્તિમાં 'નારી વડે નેહ, નારી કંથથી રે લોલ'ની જગ્યાએ ‘નારી વડે શોભે નેહ નારી નેહથી….' છે; 'શઢ વડે નાવ'ને સ્થાને ‘શઢ વડે ચાલ’ અને 'વાજાં વડે ગાન'માં ‘વાજાં વડે શોભે ગાન', એ રીતે ‘ચાલ’ અને ‘શોભે’ શબ્દ ઉમેરાયા છે.

સ્રોત

  • પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 76)
  • સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
  • વર્ષ : 2002