phulanjini garbi - Garbi | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ફૂલણજીની ગરબી

phulanjini garbi

દલપતરામ દલપતરામ
ફૂલણજીની ગરબી
દલપતરામ

ફૂલણજી તમે ફુલાવ્યા કેમ ફૂલ્યારે,

ઉપજ ખરચનો અડસટો કેમ ભૂલ્યા, મારા ફૂલણજી.

કરજ કરીને વરા ભલા તમે કીધારે,

ગરથ પરાયા ખરચીને જશ લીધા, મારા ફૂલણજી.

ઘર વેચીને ઘી સાકર તો લીધાંરે,

જમણ સરસ સામોવિંડયાથી કીધાં, મારા ફૂલણજી.

પીતાંબર પેહેરી પંગતમાં ફરિયારે,

મનમાં ફૂલ કરી મૂછે કર ધરિયા, મારા ફૂલણજી.

વળતો દિવસ થયો કે માગે નાણાંરે,

નાણાનાં તો મળે ક્યાંઈ ઠેકાણાં, મારા ફૂલણજી..

ફૂલણજી ઉપર અરજી થઈ ત્યાંથીરે,

જપત થઈ મિલકત કાહાડ્યા ઘરમાંથી, મારા ફૂલણજી.

ફૂલણજી તમને જેણે ફૂલાવ્યારે,

તે તો કોઈ મદદ કરવા નવ આવ્યા, મારા ફૂલણજી.

ફૂલણજી તો કુવો શોધવા ચાલ્યારે,

ગરથવિના તે અફિણ કોઈએ આલ્યાં, મારા ફૂલણજી.

જમતી વખત વખાણ ભલાં જે કરતારે,

સહુ હાસ્ય કરે નિંદા આચરતા, મારા ફૂલણજી.

અવસર તો અધિક વખાણી ચડાવ્યારે,

પણ અવસર તો બેવકૂફ ઠરાવ્યા, મારા ફૂલણજી.

પેહેર્યાને પટકુળ બાંધ્યા ચંદરવારે,

ઘર બાળીને ચાલ્યા તીરથ કરવા, મારા ફૂલણજી.

ફૂલણજીની રાંડ રૂએ મોં વાળીરે,

ફૂલણજી સીધાવ્યા ટેકો ટાળી, મારા ફૂલણજી.

ભોળાને નરસી શિખામણ દેશેરે,

તે નિસાસાનું પાપ ઘણું શિર લેશે, મારા ફૂલણજી.

દિલમાં દલપતની શીખામણ ધરજોરે,

તો કરજ કરીને નાત વરા નવ કરજો, મારા ફૂલણજી.

સ્રોત

  • પુસ્તક : દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 98)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન
  • વર્ષ : 2008