kukakwani - Garbi | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ગરબી

મીઠી મીઠી વાણી બોલો રે, વાયસજી, કુંકમ રંગ વધાવું,

આવે જો પ્રમદા પટરાણી પંજર હેમ ઘડાવું. મીઠીo

ચૂવા ચંદન ચોળિ અરગજા ગંગાજળ નવરાવું,

શ્યામ ભાળ પર ભભક ભરેલું કેશરતિલક લગાવું. મીઠીo

સિંહલદ્વીપ ગજ મોતી કેરા કંઠે હાર ધરાવું,

સુંદર શ્વેત સુગંધિ સુમનનું અંગે પટ પહેરાવું. મીઠીo

પાટલ પારિજાત ગૂંથીને વાયુ વ્યજન ઢળાવું,

ઉત્તમ અત્તર ઈંદોરીની મ્હેંક તને મ્હેકાવું. મીઠીo

મણિજડિત્ર કલગી શિર ઉપર બાંકી છેલ ધરાવું,

પુર મંદિરની મૂર્તિ ફેડી ત્યાં તમને પધરાવું. મીઠીo

નાગરિ જન કરે ગોરે તમારી પૂજા પૂર્ણ કરાવું,

સુરજ સુધાકર પાસ તમારી આરતિયો ઉતરાવું. મીઠીo

જુવતી જન કર ખોળે છાતી પર તમને બેસારૂં,

છોજી પિયુ સંગમના સૂચક કરૂં શું નિછાવર વારૂ. મીઠીo

વેદપાત્ર બ્રાહ્મણની પાસે પાલખીને ઉપડાવું,

કનકાસન પધરાવી તમને સરઘસ સારૂં ચઢાવું. મીઠીo

સારસનું સાજન, મ્હાજનિયા મોર પપિહ તેડાવું,

કુટિલ કોયલને કરૂં બંદીજન કંચુકિ કીર બનાવું. મીઠીo

બુલ્બુલ હંસનિ સંગિત નૃત્ય ગતિ મુજરા નેક કરાવું,

મેના ગણ મુખમિષ્ટ તમારા ગુણનાં ગિત ગવરાવું.મીઠીo ૧૦

ખલ બગલા નાપીક મશાલી સાજન માંહે ચલાવું,

પંખીગણ છો નિંદે તમને પંખીરાજ બનાવું. મીઠીo ૧૧

કો કો શું પૂછો જાણીને હું મશ્કરી મન લાવું,

આવાગમન વધામણિ આણી કેમ કહે છો આવું? મીઠીo ૧૨

આજ નિશા જો આવે પ્યારી ગૂણ તમારા ગાઉં?

મુજ મદિરાનો મીઠો પ્યાલો એક ભરીને પાઉં. મીઠીo ૧૩

થાજો ચાતુર ચારૂ ચિરંજીવિ આશિષ સંભળાવું,

વિરહીના છો વ્હાલા વાયસ તે ગુણ કેમ ભુલાવું ? મીઠીo ૧૪

શું અર્પુ હું बाल તમોને, શી તતબીર રચાવું?

નિસ્પૃહ રાજનનો રાજા છું. પ્રેમગરીબ કહાવું. મીઠીo ૧પ

સ્રોત

  • પુસ્તક : ક્લાન્ત કવિ (પૃષ્ઠ ક્રમાંક 100)
  • સંપાદક : ઉમાશંકર જોષી
  • પ્રકાશક : ગૂજરાત સાહિત્ય સભા
  • વર્ષ : 1942