દલપતરામ
Dalpatram
સખી જો આ શોભે સારાંરે, પીંપર ઉપર પંખીડાં;
બહુ ટોળે મળી વસનારાંરે, પીંપર ઉપર પંખીડાં.
કેવાં કલ્લોલ કરે છેરે! પીંપર ઉપર પંખીડાં;
સ્વર મધુર મધુર ઉચરે છેરે, પીંપર ઉપર પંખીડાં.
પરિપૂર્ણ પરસ્પર પ્રીતેરે, પીંપર ઉપર પંખીડાં,
રહે હળી મળી રૂડી રીતેરે, પીંપર ઉપર પંખીડાં.
દીસે છે દિલનાં ડાહ્યાંરે, પીંપર ઉપર પંખીડાં,
ગુણવંત ભલાં ગણાયાંરે, પીંપર ઉપર પંખીડાં.
કેવાં લાયક છે? નથી લડતાંરે, પીંપર ઉપર પંખીડાં;
નથી એક બીજાને નડતાંરે, પીંપર ઉપર પંખીડાં.
તેથી પોતે સુખ પામે છેરે, પીંપર ઉપર પંખીડાં;
જુએ તેને હરખ જામે છેરે, પીંપર ઉપર પંખીડાં,
મેં દૂર રહીને દીઠાંરે, પીંપર ઉપર પંખીડાં;
મારા મનમાં લાગ્યાં મીઠાંરે, પીંપર ઉપર પંખીડાં.
છે જોતાં જનાવર જાતેરે, પીંપર ઉપર પંખીડાં;
પણ સંપી વસે ભલી ભાંતેરે; પીંપર ઉપર પંખીડાં.
તેથી લેશ શિખામણ લઈએરે, પીંપર ઉપર પંખીડાં;
એમ હળી મળી સરવે રહીએરે, પીંપર ઉપર પંખીડાં.
ત્રિભુવનનો રાજા રીઝેરે, પીંપર ઉપર પંખીડાં;
પરલોકે પણ સુખ લીજેરે, પીંપર ઉપર પંખીડાં.
છતમાં થોડા દિન છઈએરે, પીંપર ઉપર પંખીડાં;
લડીને શિદ અપજશ લઈએરે? પીંપર ઉપર પંખીડાં.
આ કથન કહ્યાં શુભ કામેરે, પીંપર ઉપર પંખીડાં;
દીધી શિખ દલપતરામેરે, પીંપર ઉપર પંખીડાં.
સ્રોત
- પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 164)
- સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
- વર્ષ : 2002
