manrupi hathi wishe garbi - Garbi | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

મનરૂપી હાથી વિષે ગરબી

manrupi hathi wishe garbi

દલપતરામ દલપતરામ
મનરૂપી હાથી વિષે ગરબી
દલપતરામ

મન મદઝર મેગળ એક છકેલો છુટ્યો છે,

છંછેડી છરાવેલો છેક, છકેલો છુટ્યો છે.

તો અંકુશ તોડે ટચ, ભચકાવો ભાલો ભચ. છકેલો.

નહિ માને માવતનો માર, કરે અકરાકેર અપાર. છકેલો.

જઈને જામ્યો જુની બજાર, પ્રજા નાશીને પાડે પોકાર. છકેલો.

નાઠા પૂરા શૂરા રજપૂત, નાઠા જોગી જુઓ અબધૂત. છકેલો.

નાઠા ધ્યાની તો ધરતા ધ્યાન, કંઈક જ્ઞાનીએ ગુમાવ્યાં જ્ઞાન.

એના કંઠમાં સાંકળ એક, લોકલાજની પાતળી છેક. છકેલો.

તાણે તો ટુક ટુક થાય, જો મેલે તો જડમૂળ જાય. છકેલો.

થીર થુળ તોડે તે થંભ, જોતાં અંતર ઉપજે અચંભ. છકેલો.

જ્યારે આવશે એનું મોત, જાશે ગોફણગોળા સોત. છકેલો.

એને સૌ સમજે સેતાન, કોઈ મરદ લડે મેદાન. છકેલો.

બાંધી કમર જીતવા કામ, રામ સમરીને દલપતરામ. છકેલો.

સ્રોત

  • પુસ્તક : દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 93)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન
  • વર્ષ : 2008