laDi widay - Garbi | RekhtaGujarati

(સપ્તચેકો ત્રિતાલ)

આજ હોય સાસરે લાડી વિદાય રે,

આશરે, ઈશ તારે.

ઈશ, તું રક્ષણ કરજે રે એનું;

એનું ન અન્ય કો ત્યાંય રે. આશરેo ૧

સાસરી હોય સુંવાળી ઘણેરી;

તોપણ કઠણ કહેવાય રે. આશરેo ર

ગામ અજાણ્યું ને ઠામ અજાણ્યું;

જન અજાણ્યા માંહ્ય રે. આશરેo ૩

ખાવું પીવું પર મરજી પર;

ભૂખે મૂએ ન મગાય રે! આશરેo ૪

નિત્ય નિર્ઝણ કરતાં શીખવાં શું;

આ વ્રત કાઢ્યું વડાય રે? આશરેo પ

બોલવું તો પૂછ્યું, ચાલવું ચાલે રે;

કહેલું જ કરવું સદાય રે. આશરેo ૬

બાર વરસની બાળકીએ ક્યમ;

ઠાવકાં આમ થવાય રે? આશરેo ૭

રમતી કૂદતી હરણીએ તો ક્યમ;

પગલાં ભરાવ્યાં ભરાય રે? આશરેo ૮

લાડે રમેલી કેમ ચરણ મુખ;

ને મન બાંધી મુકાય રે? આશરેo ૯

જીવતાં જડ થઈ પૂતળાં પેઠે;

નચાવ્યાં કેમ નચાય રે? આશરેo ૧૦

જોગી જતિની ન જ્યાં ગતિ ચાલે;

તે કેમ કહો એથી થાય રે? આશરેo ૧૧

થાયે કે નહિ પણ નિશ્ચે કરે છે;

એમ જ સુકોમળ બાળાય રે. આશરેo ૧પ

એથી અધિક કંઈ હોય ત્યારેજ;

નવલ સાસરી નિંદાય રે. આશરેo ૧૩

સ્રોત

  • પુસ્તક : બાળ ગરબાવલી (પૃષ્ઠ ક્રમાંક 42)
  • સર્જક : નવલરામ લક્ષ્મીરામ પંડ્યા
  • પ્રકાશક : વસુમતિ ધીમતરામ નવલરામ
  • વર્ષ : 1941
  • આવૃત્તિ : 39