દલપતરામ
Dalpatram
કારતક મહિને કેફી જેનો કંથરે સાહેલી,
આ એ અબળાના દુઃખનો નાવે અંત; સાંભળ સાહેલી.
દિવસ ઘટે ને રજની મોટી થાશે રે, સાહેલી;
કેફીની અબળાના કેમ દીન જાશે; સાંભળ સાહેલી.
હિમાળાનો શીતળ વાયુ વાય રે, સાહેલી,
આ, એ મહિનો એવી રીતે કેમ જાય; સાંભળ સાહેલી.
માગશર મહિને સુખ પામું શી પેર રે, સાહેલી,
આ, કેફીડે તો માંડ્યો અકરાકેર; સાંભળ સાહેલી.
ઉપજ ખરચની વાત કશી નહિ જાણી રે, સાહેલી;
આ, ખોઈ બેઠો નિજ બાપતણી કમાણી; સાંભળ સાહેલી.
પડ્યો રહે ક્યાંઇ કેફી રસ્તા માંય રે સાહેલી;
આ, એ મહિનો એવી રીતે કેમ જાય; સાંભળ સાહેલી.
પોષે તો ઘર વેચી બેઠો પાપી રે, સાહેલી,
આ પીયર જવાની રજા વહુને આપી; સાંભળ સાહેલી.
જેણે મને પરણાવ્યું આવું પાપ રે સાહેલી;
આ પેલા ભવનાં દુશ્મન મા ને બાપ; સાંભળ સાહેલી;
એ રતમાં સાસરે જવા સહુ ચહાય રે, સાહેલી.
આ, એ મહિનો એવી રીતે કેમ જાય; સાંભળ સાહેલી.
મહા મહિનામાં બોલે લોક વસંત રે, સાહેલી;
આ તે દુ:ખણી કેફીડો જેનો કંથ; સાંભળ સાહેલી.
વન પાલોયાં આંબે આવ્યો મોર રે, સાહેલી;
આ દુખણીને સુખ નથી ઓણ કે પોર; સાંભળ સાહેલી.
ભમર ગાન સુણી પીયુ મળવા મન થાય રે, સાહેલી;
આ, એ મહિનો એવી રીતે કેમ જાય; સાંભળ સાહેલી.
ફાગણમાં નરનારી ખેલે ફાગ રે, સાહેલી;
આ કેફીની અબળાને અંતર આગ; સાંભળ સાહેલી.
રમે જમે ને હસે મળી નર નાર રે, સાહેલી;
આ કેફીની પરણેલી ખાએ માર, સાંભળ સાહેલી.
જોવું ને રોવું ઘરખૂણા માંય રે, સાહેલી;
આ, એ મહિનો એવી રીતે કેમ જાય; સાંભળ સાહેલી.
ચૈતરમાં કેમ ધીરજ રાખું ચીત રે, સાહેલી;
આ કેફ કરે કેફીડો નીતને નીત; સાંભળ સાહેલી.
ઓ પરમેશ્વર કેમ આવો વર આપ્યો રે, સાહેલી;
આ, એ વરથી તો અતિ ભલો રંડાપો; સાંભળ સાહેલી.
લેણાંવાળાની ફરિયાદો થાય રે, સાહેલી;
આ, એ મહિનો એવી રીતે કેમ જાય, સાંભળ સાહેલી.
વિલખંતાં આવ્યો મહિનો વૈશાખ રે; સાહેલી;
આ, ધોમ ધખે દિલ થાય બળીને રાખ; સાંભળ સાહેલી.
સૂરજ તપે તો છત્તર આડું રાખું રે, સાહેલી;
આ દિલ દાઝે તે કેની આગળ દાખું; સાંભળ સાહેલી.
રજની ઘટી ને દહાડા મોટા થાય રે; સાહેલી;
આ, એ મહિનો એવી રીતે કેમ જાય; સાંભળ સાહેલી.
જેઠે તો જીવડલો જળવા લાગ્યો રે, સાહેલી,
આ કેફીની અબળાનો આનંદ ભાગ્યો; સાંભળ સાહેલી.
પગ દાઝે તો મોજડીઓ લઈ ધારું રે; સાહેલી;
આ કાળજડું દાઝે તે કેમ કરી ઠારું; સાંભળ સાહેલી.
કેફીડાને કોઈ ન કહે સમજાય રે, સાહેલી;
આ, એ મહિનો એવી રીતે કેમ જાય; સાંભળ સાહેલી.
અસાડમાં ચડી આવ્યો છે ઘનઘોર રે, સાહેલી;
આ મોટો હરખ ધરીને બોલે મોર; સાંભળ સાહેલી.
કેફી પીયુ બંદીખાનામાં માલે રે, સાહેલી;
આ પરણેલીના દિલમાં એ રત સાલે, સાંભળ સાહેલી.
લીલી ધરા વિધવિધ અનંત વવાય રે; સાહેલી;
આ, એ મહિનો એવી રીતે કેમ જાય; સાંભળ સાહેલી.
શ્રાવણમાં મેં શિવપૂજા નહિ કીધી રે, સાહેલી;
આ દૈવે મુજને કેફીને કર દીધી; સાંભળ સહેલી.
ચિત્ત ટળેલો વ્યસની જુઠો ચોર રે, સાહેલી,
આ, એ સગપણ કરનારો મરજો ગોર, સાંભળ સાહેલી.
ભાગ્યવતી જે પીયુ સાથે સોહાય રે, સાહેલી;
આ, એ મહિનો એવી રીતે કેમ જાય; સાંભળ સાહેલી.
ભાદરવે ભર જોબન એળે જાય રે, સાહેલી;
આ કૈફીની બઇરીને કેમ સુખ થાય; સાંભળ સાહેલી.
નદીએ આવ્યાં પૂરણ જલનાં પૂર રે, સાહેલી;
આ, પીયુ સાંભરતાં આગ જલે છે ઉર; સાંભળ સાહેલી.
માળે બેસી પંખીડાં મલકાય રે, સાહેલી;
આ, એ મહિનો એવી રીતે કેમ જાય; સાંભળ સાહેલી.
દીવાળીના દહાડા આસો માસ રે, સાહેલી;
આ કેફીની બઇરી નિત રહે ઉદાસ; સાંભળ સાહેલી.
રમે જમે જન ધરે નવા શણગાર રે, સાહેલી;
આ કેફીની નારી નયણે જલધાર; સાંભળ સાહેલી.
ગુણવંતી મળી મળીને ગરબા ગાય રે, સાહેલી;
આ, એ મહિનો એવી રીતે કેમ જાય; સાંભળ સાહેલી.
માસ અધિકમાં અધિકપણે શું કહીએ રે, સાહેલી;
આ પીયુ બંદીખાને એકલાં કેમ રહીએ; સાંભળ સાહેલી.
એ વરથી જો છુટકો મારો થાય રે, સાહેલી;
તો દલપતના સ્વામીને લાગુ પાય; સાંભળ સાહેલી.
વિલખંતાં=વિલપતાં
સ્રોત
- પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 65)
- સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
- વર્ષ : 2002
