ranii rupsundari - Garbi | RekhtaGujarati

રાણી રૂપસુંદરી

ranii rupsundari

બાપાલાલ ભાઈશંકર ભટ્ટ બાપાલાલ ભાઈશંકર ભટ્ટ
રાણી રૂપસુંદરી
બાપાલાલ ભાઈશંકર ભટ્ટ

(“મોરલી વાગી રે શ્રીકૃષ્ણની” રાગ)

વનમાં વસે એક સુંદરી,

હાંરે એનું રંભાસમું છે રૂપ રાજતું;

હાંરે એને રાનનું રહેઠાણ નથી છાજતું. હોજી રે વનમાં વસે એક સુંદરી. (ટેક)

હાંરે વિધુ વેશે ફરે છે રંગ રાતડી,

હાંરે કોણ કળી શકે છે એની જાતડી? હોજી રે વનમાં૦

હાંરે એનું મુખકમળ કરમાયલું,

હાંરે એનું વપુ વિષાદથી વિંટાયલું, હોજી રે વનમાં૦

હાંરે એની સેવા કરે છે સહુ ભીલડી,

હાંરે નથી વ્હીલી તે મુક્તી એકે ઘડી. હોજી રે વનમાં૦

હાંરે રૂડી ઝાડની ગુફામાં રચી ઝુંપડી,

હાંરે ભીંત દીપાવી સીપ શંખલે જડી. હોજી રે વનમાં૦

હાંરે જુઓ ઝાડે બાંધ્યું છે પેલું પારણું;

હાંરે માંહે બાળ રમે છે રળીઆમણું. હોજી રે વનમાં૦

હાંરે એને ભાલે રવિનું તેજ ઝગમગે,

હાંરે એનો ચ્હેરો તો પારણામાં ચગચગે. હોજી રે વનમાં૦

હાંરે ભીલ છોરૂ છે બાળને ઝુલાવતાં,

હાંરે એનું મુખડું જોવાને સહુ આવતાં. હોજી રે વનમાં૦

હાંરે છોરૂ વનમાંથી ફુલ વીણી લાવતાં,

હાંરે કરી હારડા ને બાળને પહેરાવતાં. હોજી રે વનમાં૦

હાંરે કોઈ બાળા ચનોઠી એકઠી કરે,

હાંરે તેની માળા કરીને કંઠમાં ધરે. હોજી રે વનમાં૦

હાંરે નારી બાળને રમાડી કરે બોકીઓ.

હાંરે ભીલ ચારે બાજુએ કરે ચોકીઓ. હોજી રે વનમાં૦

હાંરે તો કોનો કુંવર છે કોડામણો?

હાંરે તો દૈવની ગતિથી દીસે દામણો. હોજી રે વનમાં૦

હાંરે ત્યાં તો શીલગુણસુરીજી સાધુ આવીઆ,

હાંરે જોઈ કુંવરનું રૂપ ને ખુશી થયા. હોજી રે વનમાં૦

હાંરે તેણે ચિન્હ જોયાં તે ચતુરાતણાં,

હાંરે રૂપ રેખાને ભાલ પેખ્યાં બાળનાં. હોજી રે વનમાં૦

હાંરે તો હોય કોળી, છે બાળ કેસરી,

હાંરે તો વનરાજ વીર છે વાલેસરી. હોજી રે વનમાં૦

હાંરે પછી બોલ્યા જતીજી સુણ હે સતી,

હાંરે થાશે બાળ પ્રતાપી પૃથ્વીપતિ. હોજી રે વનમાં૦

હાંરે એવાં સારાં વચન સુણી માવડી,

હાંરે પેલા સાધુને વંદિને પગે પડી. હોજી રે વનમાં૦

હાંરે પછી સાધુ દિલાસો દેઈ નિસર્યા;

હાંરે જઈ વનનાં વાસીને નથી વીસર્યા. હોજી રે વનમાં૦

હાંરે હવે માતા ઝુલાવે પુત્ર પારણે;

હાંરે મુખ પેખીને જાય છે ઓવારણે. હોજી રે વનમાં૦

હાંરે મારા ગોકુળની ગાયનો ગોવાળીઓ;

હાંકે મારી ગુર્જર વાડીનો એતો માળીડો, હોજી રે વનમાં૦

હાંરે મારી ગુર્જરનો ગર્થ છે બાળમાં;

હાંરે મારી સઘળી આશા છે એના ભાલમાં. હોજી રે વનમાં૦

હાંરે મારો કુંવર થશે જો પૃથ્વીપતિ;

હાંરે એવા શોધી જમાડું સેંકડો જતી. હોજી રે વનમાં૦

હાંરે એમ કરતાં વરસ કંઈ વહી ગયાં :

હાંરે પેલા બાળકનાં બાણ વધતાં ગયાં. હોજી રે વનમાં૦

હાંરે લેઈ કામઠી ને તીર કુંવર નીસરે;

હાંરે યેલા ભુવડના લોકને કાયર કરે. હોજી રે વનમાં૦

હાંરે ધન લાવી દુખીનાં દુઃખ ટાળતો;

હાંરે વનવાસી અપંગને તે પાળતો. હોજી રે વનમાં૦

હાંરે આખા વનના તે ભીલને ભેગા કરે;

હાંરે પછી માંડી નિશાન ખેલ આદરે. હોજી રે વનમાં૦

હાંરે જેનો ચાંદો વીંધીને તીર નીસરે;

હાંરે તેને આપી ઇનામ તે ખુશી કરે. હોજી રે વનમાં૦

હાંરે એવાં વગડાનાં રાજ વીરે માંડીઆં;

હાંરે પછી કુડ કપટ છળ છાંડીઆં. હોજી રે વનમાં૦

હાંરે હવે નીતિ ને ન્યાય કુંવર આચરે;

હાંરે માની શિક્ષા પ્રમાણે ડગલાં ભરે. હોજી રે વનમાં૦

હાંરે માને એક દિવસ સુખ સાંભર્યો;

હાંરે માની આંખડીમાં આવીને આંસુ ઠર્યો. હોજી રે વનમાં૦

હાંરે ત્યારે પુછે કુંવર કરી વિનંતી;

હાંરે માતા શાને રડો છો, મને કહો કથી. હોજી રે વનમાં૦

હાંરે ત્યારે માએ માંડીએ કહી વાતડી;

હાંરે કુંવર સુખડાં સંભારી બળે છાતડી. હોજી રે વનમાં૦

હાંરે તારા પિતાનું રાજ તો પંચાસરે;

હાંરે હતી ગુર્જર ભુમિ તો એને આશરે. હોજી રે વનમાં૦

હાંરે પછી શત્રુ સોલંકીએ હલ્લા કર્યા;

હાંરે ત્યારે પોતે લઢીને સ્વર્ગે સંચર્યા. હોજી રે વનમાં૦

હાંરે અમે રાજ મુકીને વન આવીઆં;

હાંરે અમને વેરીએ બહુ સતાવીઆં. હોજી રે વનમાં૦

હાંરે મારો સુરપાળ વીર વખુટો પડ્યો,

હાંરે તેનો પતો હજુએ કંઈ ના જડ્યો. હોજી રે વનમાં૦

હાંરે વીરા સ્નેહી સગાં તો બહુ સાંભરે;

હાંરે મારાં વહાલાં મળે તો હઇડાં ઠરે. હોજી રે વનમાં૦

હાંરે એક વહાલાં વિયોગ દેહને દમે;

હાંરે પેલા વેરી વિક્રાળ શીર પર ભમે. હોજી રે વનમાં૦

હાંરે એમ બ્હીતા રહ્યે ફાળ ક્યમ જશે?

હાંરે મને સુઝે નહીં કે હવે શું થશે? હોજી રે વનમાં૦

હાંરે એમ કહેતાં રાંકડી રડી પડી,

હાંરે વદે વનરાજ શાંત થાઓ માવડી. હોજી રે વનમાં૦

હાંરે કાલે શત્રુને શોધીને પુરા કરૂં;

હાંરે મારા તાતની ભુમિનું અભરે ભરૂં. હોજી રે વનમાં૦

હાંરે હવે ગુર્જર ગુણીની સેવા આદરૂં;

હાંરે મળી સ્નેહીને કોડ હું પુરા કરૂં. હોજી રે વનમાં૦

હાંરે માતા ભીલભાઈઓને કરૂં સોંપણી.

હાંરે રાખે માની સેવામાં કાળજી ઘણી. હોજી રે વનમાં૦

હાંરે મારા સ્નેહી ને મિત્રને ભેગા કરૂં,

હાંરે પછી આજ્ઞા લઈને વન સંચરૂં. હોજી રે વનમાં૦

હાંરે મારા તાત કેરૂં રાજ મેળવું સહી;

હાંરે અહીં બેશી રહ્યે બનશે નહીં. હોજી રે વનમાં૦

હાંરે પછી વનરાજે ભીલને ભેગા કર્યા,

હાંરે લેઈ કામઠીને તીર સહુ ઉતર્યા. હોજી રે વનમાં૦

હાંરે પછી વનરાજ વીર કહે “વાલેસરી;

હાંરે તમે ભલી કરી છે મારી ચાકરી, હોજી રે વનમાં૦

હાંરે મને પ્રભુ પિતાનું રાજ આપશે,

હાંરે મને ગુર્જરનો ભુપ કરી સ્થાપશે. હોજી રે વનમાં૦

હાંરે ત્યારે તમને સંબંધી સબળા ગણી,

હાંરે સહુ પહેલા કરીશ ગામના ધણી. હોજી રે વનમાં૦

હાંરે હવે અમે વિજય માટે વાધીશું;

હાંરે મળી સ્નેહીને શુભ કામ સાધીશું. હોજી રે વનમાં૦

હાંરે સેન ભેગું કરીને ફરી આવીશું,

હાંરે તમને લઢવાને જંગમાં બોલાવીશું.” હોજી રે વનમાં૦

હાંરે સુણી એવાં વચન ભીલ ગાજાઆ,

હાંરે વીરહાક પડીને ઢોલ વાગીઆં. હોજી રે વનમાં૦

હાંરે પછી વનરાજે શાંત સહુને કર્યા,

હાંરે વીર માને બતાવી એમ ઉચર્યા. હોજી રે વનમાં૦

“હાંરે છે માતા તમારાં, તમે છોકરાં,

હાંરે આજ સગાં સંબંધી સહુ છે પરાં. હોજી રે વનમાં૦

હાંરે કરી સારી સેવને સુખઆ થજો,

હાંરે ભય આવી પડે તો દૂર રાખજો. હોજી રે વનમાં૦

હાંરે કદી આવે લેવાને જૈન આશરે,

હાંરે માને મૂકો સુરીને અપાશરે.” હોજી રે વનમાં૦

હાંરે ત્યારે ભીલે ભલાઇ બહુ વાપરી,

હાંરે કહે રૂડી કરીશું માની ચાકરી. હોજી રે વનમાં૦

હાંરે માની ચીંતા કરોને વીર વેગળી,

હાંરે અમો છોરૂને રૂપ માવડી મળી; હોજી રે વનમાં૦

હાંરે ત્યારે માતા ગભરાઈ ગળગળાં થયાં,

હાંરે માની પ્રેમી આંખેથી આંસુડાં વહ્યાં. હોજી રે વનમાં૦

હાંરે બોલે માતાજી છેક અધીરાં થઈ,

“હાંરે મારી શુદ્ધિને સાન આતે ક્યાં ગઈ?” હોજી રે વનમાં૦

હાંરે મારાં પ્રાણથી હું દેહ કરૂં વેગળી,

“હાંરે મારી બુદ્ધિએ આજ મુજને છળી; હોજી રે વનમાં૦

હાંરે કુંવર અંધ અપંગ કેરી લાકડી,

હાંરે તમને પેખી ઠરે છે મારી આંખડી; હોજી રે વનમાં૦

હાંરે સાંજે વાટ જોઉં કે વીર આવશે.

હાંરે મુજ દુખીયણના તાપને સમાવશે; હોજી રે વનમાં૦

હાંરે હવે સાંજે તમારે આવવાં નથી,

હાંરે ઝાળ લાગે છે એટલા વિચારથી; હોજી રે વનમાં૦

હાંરે કુંવર દિન અમારા કેમ નીઠશે,

હાંરે મારા ટળવળીને પ્રાણ નીકળી જશે. હોજી રે વનમાં૦

હાંરે કુંવર શત્રુ તમોને શોધતા ફરે,

હાંરે તમને રખે અભાગીઆ આવી મળે.” હોજી રે વનમાં૦

હાંરે ત્યારે વનરાજ વીર એમ ઉચર્યા,

“હાંરે માતા ભલે અમોને જાગતા કર્યા. હોજી રે વનમાં૦

હાંરે તમે સારા રજપુતનાં છો માવડી,

હાંરે કળા સંહને જગાડવાની આવડી. હોજી રે વનમાં૦

હાંરે માતા દુખડાંનો અંત હવે આવીઓ;

હાંરે હવે જાણો કે જંગ જગાવીઓ. હોજી રે વનમાં૦

હાંરે જ્યારે શત્રુનાં જુથ શીર ગાજતાં,

હાંરે ત્યારે છુપાં રહેવાં તો નથી છાજતાં, હોજી રે વનમાં૦

હાંરે અમે રજપૂત સુત, બાળ કેસરી,

હાંરે અમે જૂધથી જરા જઈએ ડરી. હોજી રે વનમાં૦

હાંરે અમે ખડગ ધર્યુ કે ખરા રાજવી,

હાંરે ભૂમિ કામઠીને તીરની છે આગવી.” હોજી રે વનમાં૦

હાંરે ત્યારે માતા વહે છે; - “ધન્ય દીકરા,

હાંરે આજ જાણું કે કોડ તેં પુરા કર્યા. હોજી રે વનમાં૦

હાંરે તારા તાત કેરાં કૂળને તેં તારીઆં,

હાંરે મારા દુખડાંને આજ મેં વિસારીઆં.” હોજી રે વનમાં૦

હાંરે પછી ભાવે સુભોજન કરાવીઆં,

હાંરે શુભ કંકુ ને પુષ્પ ત્યાં અણાવીઆં. હોજી રે વનમાં૦

હાંરે પછી કંકુ અક્ષત ભાલમાં ધરી,

હાંરે ફુલ નાંખી કહે “આવજો ફત્તે કરી. હોજી રે વનમાં૦

હાંરે વીરા પ્રભુ પ્રતાપ તેજ આપશે,

હાંરે તને ગુર્જરનો ભૂપ કરી સ્થાપશે.” હોજી રે વનમાં૦

હાંરે માને વનરાજ વીર ત્યાં પાયે પડ્યા,

હાંરે માએ આપી આશીષ ને ઉઠાડીઆ. હોજી રે વનમાં૦

હાંરે પછી સબળા સપૂત ત્યાંથી સંચર્યા,

હાંરે દશ બળીઆ બાણાવળી સાથે થયા. હોજી રે વનમાં૦

હાંરે માતા વનમાં વસીને દિન નિર્ગમે,

હાંરે ઈશભક્તિ કરીને ઉરમાં શમે. હોજી રે વનમાં૦

સ્રોત

  • પુસ્તક : સુબોધ ગરબાવળી (પૃષ્ઠ ક્રમાંક 55)
  • સર્જક : બાપાલાલ ભાઈશંકર ભટ્ટ
  • પ્રકાશક : પોતે
  • વર્ષ : 1918