katar, gaj ane soy ni garbi - Garbi | RekhtaGujarati

કાતર, ગજ અને સોયની ગરબી

katar, gaj ane soy ni garbi

દલપતરામ દલપતરામ
કાતર, ગજ અને સોયની ગરબી
દલપતરામ

સુણ દરજીડા, કાતર ગજ ને સોય તણા ગુણ હું કહું,

અચરજ ઉપજે, જોઈ જગતની રીત રૂઠે સમજી રહ્યું. —ટેક

તે ત્રણ રહે છે ઘેર તારે, પણ જુદા સ્વભાવ સદા ધારે;

તને ટેવ પડી જનમ્યાં જ્યારે; સુણ દરજીડા...

કાતર કેવી ભૂંડી ભાળી, તે પેટ વિષે રાખે પાળી;

સાજાં ભાગ્યાં કરવાવાળી; સુણ દરજીડા...

જે સૂત્ર તણાં તંતુ દરશે, સજી સંપ સદા સ્પિર થઈ ઠરશે;

કાતર તેને જુદા કરશે; સુણ દરજીડા...

હવે ગજના ગુણ કહું છું જે છે, બદસલાહ કાતરને દે છે;

પછી પોતે તો અળગો રહે છે; સુણ દરજીડા...

જગમાં જેના ગુણ એવા, કહીએ તેને કપટી કેવા?

તો લબાડ લેખે ગણી લેવા, સુણ દરજીડા...

એણે જગથી ઉલટું નામ ધાર્યું, માટે જગથી ઉલટું કામ કર્યું;

એને લાયક ઠીક ઠર્યું; સુણ દરજીડા...

જગમાં જે જેવા ગુણ ધરશે, તેવું લોક વિષે લાયક ઠરશે;

સજ્જન તો દુર્ગુણથી ડરશે; સુણ દરજીડા...

એવા જનને ઓળખી લઈએ, તેને દિલની વાત નહી દઈએ;

દઈએ તો અતિ દુખિયાં થઈએ; સુણ દરજીડા...

એવાને કોઈ આંગળી આપે, તો કપટ કરી તરતજ કાપે;

માટે અર્થ સરે અળગાં થાપે; સુણ દરજીડા...

જો સોય બિચારી સારી છે, તૂટ્યાં સાજાં કરનારી છે;

ગુણવંતી નામે નારી છે; સુણ દરજીડા...

તેવી છે પણ ગુણ દેવાને, સમજાવે સંપી રહેવાને;

આવકારજ દેવો એવાને; સુણ દરજીડા...

કુળ એકજ કાતર સોય તણું, પણ કામ જુદી કરનારી ગણું;

ગુણ વિનાની એક ગુણાની ગણું; સુણ દરજીડા...

તે પણ અંતરમાં અભિલાખી, શિર ઉપર સોય ધરી રાખી;

ગજ કાતરને નીચાં નાખી; સુણ દરજીડા...

અણસમજુ જન વિશ્વાસ કરે, સમજુ તો દિલમાં સમજી ડરે;

નિજ અર્થ સરે અળગાંજ ધરે; સુણ દરજીડા...

એમ કર્તારે ઉપયોગી કર્યાં, તે થકી નકામાં તે ઠર્યા;

દલપતરામે દિલમાંહિ ધર્યા. સુણ દરજીડા...

સ્રોત

  • પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 161)
  • સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
  • વર્ષ : 2002