itihasni aarsi - Garbi | RekhtaGujarati

ગરબી

(છચોકા)

ઇતિહાસની આરસી સાહી, મેં જોયું માંહી;

થીર થાવર દીઠું કાંઇ, ફરતી છે છાંઈ! ૧

મુલક બધામાં આજ, ક્યાંના ક્યાં રહેતા;

ઈંગ્રેજ કરે છે રાજ, જગમાં જશ લેતા.

પણ દોઢસો વર્ષ પછાત, જો જોઈએ ઝાંખી;

દીસે દક્ષણીઓ ગુજરાત, ઘૂમતા ડર દાખી. ૩

શો પેશવાઈનો દોર, પૂનેથી સંચરતા;

બહુ ચકરા જાલમ જોર,”ઈકડે યા” કરતા.

માંડ્યા રાજે અધર્મ અપાર,ધર્મનું ક્હાવે જે;

કરી ચાર દિવસ ચમકાર, શૂન્ય થયું સહેજે.

પેશવાઈ પહેલાં મુગલાઈ, ચાલતી ચોપાસે;

અહીં સ્થાપી અકબરશાહી, બાંધી નીતિ પાસે.

નહિ જુલમ, ઝાઝુ દાણ, નહિ પક્ષાપક્ષી;

દીધું દેશીને માન સમાન, દેશાઈગીરી બક્ષી.

ટકી બસેં વરસ મુગલાઈ, તે આને યોગે;

જ્યારે રાજનીતિ બદલાઈ, પડી મરવા રોગે.

બસે વરસ પણ બાદ, કરી જો પછવાડે;

પાદશાહી અમદાવાદ, સ્વતંત્રપણે લાડે.

“કુત્તે પર આયા સસ્સા-બસાયા શે'ર શાહને;”

આશા ભીલને અસા-વળે ગમ્યું તેજાને. ૧૦

થયો મહમદ બેગડો એક, છેક મહા મોટો;

બાંધ્યા મસીદ મિનારા અનેક, શેર સણંગ કોટો. ૧૧

હતો જબરજસ્ત મહા શૂર, મહા મોટો જંગી;

ચડી વા’ણે લડી ચકચૂર, કર્યા બહુ ફિરંગી. ૧ર

પણ પાંચસે વીસ અગાઉ, તું ક્યાં શે'રજ;

હવે પાટણપુરને ગાઉ, થયો અકરા કેરજ. ૧૩

સન તેરસેં પૂરાં માંહ્ય, થયા હિંદુ પૂરા;

પડયું પાટણ વરત્યો ત્રાહ્ય, ધિક! નાગર નગુરા! ૧૪

પેઠા મુલકમાં મુસલમાન, મારું મારું” કરતાં

લૂટે ઝંટે વટાળે, લે જાન, વહુ દીકરી હરતા. ૧પ

લડ્યા પડ્યા હજારો શૂર, “ભલે મારીએ મરીએ,”

વહ્યું લોહી જેમ જળપૂર, ડૂબ્યો દેશ તે દરિયે! ૧૬

દિવસ પડી જે પોક, હજી ગગને ગાજે!

દિવસ દેશીઓ શોક, કરોને મળી આજે! ૧૭

દિવસ થકી પરતંત્ર, થયા લાગી ખાંપણ રે!

આગે હતા સ્વતંત્ર, હિંદુ સૌ આપણ રે! ૧૮

વધ્યો શોક થંભ્યું મુજ ગાન, જ્ઞાન, એકજ રે!

વિના ધર્મ નવલ, આસ્થાન, ચલિત સૌ છેક રે! ૧૯

સ્રોત

  • પુસ્તક : બાળ ગરબાવલી (પૃષ્ઠ ક્રમાંક 35)
  • સર્જક : નવલરામ લક્ષ્મીરામ પંડ્યા
  • પ્રકાશક : વસુમતિ ધીમતરામ નવલરામ
  • વર્ષ : 1941
  • આવૃત્તિ : 39