નવલરામ લક્ષ્મીરામ પંડ્યા
Navalram Laxmiram Pandya
(ગરબી)
દક્ષિણમાં છે દમણગંગા, ત્યાંથી નીકળીએ પ્રવાસ રે;
અમલસાડ, વલસાડ, નવસારી, લેજો ફણસ અન્નાસ.
રમીએ ગુજરાતે રે.
શાં શોભે કદળીવન શીતળ, શી બહેકે લીંબુવાઈ રે;
આંબા ઇફાના અમૃત સરખા, હરખી કહે દેસાઈ.
રમીએ ગુજરાતે રે.
સુરત શે'રનું સુંદર સ્ટેશન, સુંદર રસ્તા સારા રે;
સુંદર, નાજુક, લોક વિચક્ષણ, શોખી સફાઈ કરનારા.
રમીએ ગુજરાતે રે.
ઓ આવી બરફીની દુકાનો, ઊભાં રહો રઢ લાગે રે!
પાપડી પણ આપણ આ ટાણે, પામ્યાં પૂરણ ભાગ્યે!
રમીએ ગુજરાતે રે.
જરૂર નાતમાં જમવા જઈએ, જમણ આવાં નથી નીરખ્યાં રે!
ચિનાઈ સાડી ચપળા ચમકે, સર્વે લખેશ્રી જ સરખાં.
રમીએ ગુજરાતે રે.
મેળા, ખેળા ને વરઘોડા, નાચ ને રંગ ઠામ ઠામ રે;
હસતાં રમતાં જ દીસે સદા સૌ, કરતાં હશે શું કામ!
રમીએ ગુજરાતે રે.
આગળ આ હતું હિંદુસ્તાનમાં, સૌથી બંદર મોટું રે;
નામીચું દુનિયામાં, તે કેમ, છેક થયું હશે ખોટું!
રમીએ ગુજરાતે રે.
તાપી નાહી, લઈ લાહે ગજી, કીનખાબ, કિનારી ચાલો રે;
નરબદાનો નીરખી, નર પુલ, નરનાં નરપણ ભાળો.
રમીએ ગુજરાતે રે.
ભરૂચની ટેકરી બહુ બાંકી, ટીંબા ચડજો તપાસી રે;
ટેડી પાઘડી કકડતાં કપડાં, રૂમાલ તો ફરમાસી.
રમીએ ગુજરાતે રે.
ભાંગ્યું ભાંગ્યું પણ એ છે ભરૂચ જ, ભૃગુનો આશ્રમ ક્હાવે રે;
શે'ર જૂનું ગુજરાતે, આજે પણ, રૂ બહુ રેલ ચડાવે.
રમીએ ગુજરાતે રે.
ત્યાંથી કબીરવડ જોવા જાજો, જગમાં જે છે નવાઈ રે;
જોઈ ડભોઈ પાછા વળજો, માળ માલ ન કાંઈ.
રમીએ ગુજરાતે રે.
મેલ્યું ભરૂચ કે આવ્યું કાનમ, કાળી ધરતી રસાળી રે;
જ્યાં ચોમાસે જાય કળી પગ, કણબીકન્યા દે ગાળી.
રમીએ ગુજરાતે રે.
મિયાંગામ, ઇટોલું આવે, આવે ઝાડનાં ઝુંડ રે;
ઝાડે ચારે તળ ચરોતરનું, ગોંદરું આ છે પ્રચંડ.
રમીએ ગુજરાતે રે.
વડોદરે નિર્ભ્રાન્ત ઊતરજો, નથી મલ્હારરાવ ઘેલો રે;
દાણનું દુઃખ તો છે હજી કાયમ, ગાંઠડી હેઠે મેલો.
રમીએ ગુજરાતે રે.
લક્ષ્મીવિલાસ ને મોતીબાગ ને, નજરબાગનો મિનારો રે;
જો જો સવારી, સાઠમારી ને, નૃપ નવીન પ્રમાણો.
રમીએ ગુજરાતે રે.
પાન ને પર્વળ લઈ પરવરીએ, શો ઊંચો પુલ મહીનો રે;
'આવી મહીં ને ચિંતા થઈ' એ ઉખાણો હતો અહીંનો.
રમીએ ગુજરાતે રે.
આપે જણાય છે આવ્યું ચરોતર, બોલી ને બુદ્ધિ જ્યાં જાડી રે;
જાડી પણ ગાઢી કસવાળી, ધંધે કોસરે હદ વાળી.
રમીએ ગુજરાતે રે.
હોય જવું વડતાલ કે ડાકોર, તો વચમાંથી વિચરજો રે;
કપડવંજે કાચ ને સાબુ, જોઈ સુધારો કરજો.
રમીએ ગુજરાતે રે.
આવી આનંદે પાછાં આણંદે, કે નડિયાદે મળજો રે;
મહમદશાહનું શે'ર જોઈને, અમદાવાદે વળજો.
રમીએ ગુજરાતે રે.
અમદાવાદે આદે હતી બહુ, ગાદી મોટી પાદશાહી રે;
જ્યાં ત્યાં મસીદને તોડા તે હજી, યાદ આણે છે ભાઈ!
રમીએ ગુજરાતે રે.
જુમામસીદ શી મોટી, મહમદશા'નું સેન સમાયરે;
જુમામસીદ જોતાં તે વખતની, ઝાંખી આજે થાય.
રમીએ ગુજરાતે રે.
ભદ્રની શોભા છે બહુ સારી, ત્રણ દરવાજે કમાનરે;
હઠીસિંગને દહેરે આરસ, ઓપે હીરા સમાન.
રમીએ ગુજરાતે રે.
શાહઆલમ સરખેજની શોભા, શી રીતે વર્ણાયરે;
અસલી ઇમારત હુન્નર આગળ, ઇજનેરી લજવાય.
રમીએ ગુજરાતે રે.
રાજનગરમાં જન ઉદ્યોગી, કોડીલા કસરની સાથેરે;
વિવેકી ને વળી પરગજુ પણ, તન મન કણ ત્રણ વાતે.
રમીએ ગુજરાતે રે.
રસમાં છે અહીં છપ્પા સામળ, કવિના પૂરણ કામરે;
જેમ સુરતમાં પ્રેમાનંદ ને, વડોદરા દયારામ,
રમીએ ગુજરાતે રે.
ગઈ પાદશાહી ઘણા દિવસથી, પણ શાહે રંગ રાખ્યો રે;
બાંધી સાડાત્રણ તાંતણે શે'રને, ધંધો ધોકારે રાખ્યો.
રમીએ ગુજરાતે રે.
ધોતીજોડા, પીતાંબર, સાડી, જે જોઈએ તે લેજોરે;
બાર બોલાવે બો'તેર આવે, કોક દલાલને કે'જો.
રમીએ ગુજરાતે રે.
આવે દલાલ ને લાવે લટકતા, વેપારી ટોળેટોળાંરે;
લઢે વઢે, દે ગાળ, ખેંચે, સમ ખાય, કરે કાગારોળ.
રમીએ ગુજરાતે રે.
આવી અગાડી ગાયકવાડી, ઘોડા ફરે મદમાતારે;
વડનગર ને વીસનગરે, જાવું પણ નથી જાતા.
રમીએ ગુજરાતે રે.
સરસ્વતીતીર સિધપુર, કપિલ મુનિનું ધામરે;
પાટણ પ્રાચીન રાજધાનીને, અહીયાંથી જ પ્રણામ.
રમીએ ગુજરાતે રે.
કાઠિયાવાડમાં હાલ નથી ભો, હાલો તે ભણી જઈએરે;
દેશી રાજનાં દુઃખડાં દેખી, દિલમાં દુઃખિયાં થઈએ.
રમીએ ગુજરાતે રે.
રેત ગઈ ને પા'ણા આવ્યા, ઝાડનું દેખું ન નામરે;
ખરે સૌરાષ્ટ્ર તો ખનિજ ખજાનો, ખોલ્યાનો ખરો ઠામ.
રમીએ ગુજરાતે રે.
પ્રથમ જૂનાગઢ ચાલો, જોઈએ નરસિંહ મે’તાનો ચોરોરે;
છતું કર્યું ગુજરાત સપૂતે, એનો પાડ ન થોડો.
રમીએ ગુજરાતે રે.
જામનગર મચ્યું રાગ ને રંગમાં, ભાવનગર ભળપણમાંરે;
પહેલા વર્ગનું ચોથું ધ્રાંગદ્રું, પોરબંદર હાલ ગણમાં.
રમીએ ગુજરાતે રે.
સુદૃઢ, તીખા, શોખી, શાણા, મતલબી, ખટપટવાળારે;
મીઠા તો મધથી પણ અદકા, લોક આણીકોરા ભાળ્યા.
રમીએ ગુજરાતે રે.
જોવા લાયક રાજ્ય રહ્યાં બહુ, પણ ક્હોને શું કરીએરે,
રાજાધિરાજની રાજધજા જ્યાં, રાજકોટે જઈ ઠરીએ.
રમીએ ગુજરાતે રે.
દરેક બીજાં રાજ બધાં ત્યાં આવી પ્રસંગે જાશે રે;
જોઈ રહ્યા, કે વળશું પાછા, પ્રવાસ પૂરો થાશે.
રમીએ ગુજરાતે રે.
રહી ગયું જોવું દીવ બંદર, ને ધોળેરું ઘોઘું રે;
ખારાઘોડે ખૂટે ન મીઠું, પાણી પણ જ્યાં મોઘું.
રમીએ ગુજરાતે રે.
પશ્ચિમે દ્વારિકા, પૂર્વે કાળી, ઉત્તરે અંબા માત રે;
દક્ષિણે કુંતેશ્વર એ છે, ચારે ચોકી ગુજરાત.
રમીએ ગુજરાતે રે.
ઊના પાણીના કુંડ લસુંદ્રા, ગોધરા ને ઉનઈએ રે;
ગંધક તો ગંધાય છે ખુલ્લો, રામ સુધી શીદ જઈએ.
રમીએ ગુજરાતે રે.
વિમળશાહનાં દે'રાં બળેલાં, લાવા રસમાં દટાયાં રે;
જોતાં જ, જાણે જ્વાલામુખીનું, જોર જે જન છે ડાહ્યા.
રમીએ ગુજરાતે રે.
રહી છેવાડે છાવણી ડીસા, હવાપાણી જ્યાં સારાં રે;
પાલણપુર ઉપરથી થઈને, આબુજી જોવા ધાર્યા.
રમીએ ગુજરાતે રે.
વળી વનસ્પતિ વિધવિધ ઔષધિ, જૈન દે'રાં જયકારી રે,
'અઠે કઠે' કરનાર મેવાડને, મારવાડી અહીં બારી,
રમીએ ગુજરાતે રે.
વાદળાં અંગે અડકી હીંડે, ટાઢે જવાય ઠૂંઠવાઈ રે;
પાલીતાણે, ગિરનાર, શેત્રુંજે, ભૂલ્યા આપણે જવું ભાઈ.
રમીએ ગુજરાતે રે.
રાધનપુર જઈ રણને ઝાંખવું, કચ્છ ભુંજ જ્યાંથી જવાય રે;
માંડવી બંદરથી ઊપડતાં, મુંબઈ બોટે અવાય.
રમીએ ગુજરાતે રે.
મુંબઈ તો અલબેલી જ કહાવે, જાણીતી જગમાંહ્ય રે;
વિદ્યા, હુન્નર, વેપાર ને રાજનું, નૂર નવલ શું ગાય.
રમીએ ગુજરાતે રે.
સ્રોત
- પુસ્તક : કાવ્યપરિચય ભાગ 1 (પૃષ્ઠ ક્રમાંક 136)
- સંપાદક : રામનારાયણ વિ. પાઠક, નગીનદાસ ના. પારેખ
- પ્રકાશક : નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ
- વર્ષ : 1939
- આવૃત્તિ : બીજી આવૃત્તિ, ત્રીજું પુનર્મુદ્રણ
