gheli musapharni garbi - Garbi | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ઘેલી મુસાફરની ગરબી

gheli musapharni garbi

દલપતરામ દલપતરામ
ઘેલી મુસાફરની ગરબી
દલપતરામ

એક હતી મુસાફર ઘેલીરે, સુણો સાહેલિયો;

તેની આગળ એક તપેલીરે, સુણો સાહેલિયો.

ગઈ રાતની રાખી એઠીરે, સુણો સાહેલિયો;

ઊઠી પરભાતે માંજવા બેઠીરે, સુણો સાહેલિયો.

ઘણી રીતે ઘશી ઘશી થાકીરે, સુણો સાહેલિયો;

બહુ ડાઘ રહ્યા તોય બાકીરે, સુણો સાહેલિયો.

પુરી રીસે તપેલી ઉપાડીરે, સુણો સાહેલિયો;

સામા ભીંતની સાથે પછાડીરે, સુણો સાહેલિયો.

લઈ પથરો તપેલીને કૂટીરે, સુણો સાહેલિયો;

પડ્યાં ફાંકા તપેલી તો ફૂટીરે, સુણો સાહેલિયો.

થયા બપોર ભૂખ તો લાગીરે, સુણો સાહેલિયો;

પછી વાસણ માગવા લાગીરે, સુણો સાહેલિયો.

એને વાસણ આપે કોઈરે, સુણો સાહેલિયો;

પછી રાગ તાણી ઘણી રોઈરે, સુણો સાથેલિયો,

તોય થૈ તપેલી સાજીરે, સુણો સાહેલિયો;

હસે લોક ને તે મરે લાજીરે, સુણો સાહેલિયો.

જેથી સ્વારથ આપણો જરિયેરે, સુણો સાહેલિયો;

તેના ઉપર ક્રોધ કરિયેરે, સુણો સાહેલિયો.

લાત દૂઝતી ગાયની ખમિયેરે, સુણો સાહેલિયો;

તેને તજીએ તો દૂધ ક્યાં જમિયેરે, સુણો સાહેલિયો.

કોઈની સાથે ટુંકારે લડિયેરે, સુણો સાહેલિયો;

એમાં આપણે હલકાં પડિયેરે, સુણો સાહેલિયો.

સાંખી ચાલે તે માણસ મોટુંરે, સુણો સાહેલિયો;

દલે સાચું માનો નથી ખોટુંરે, સુણો સાહેલિયો.

સ્રોત

  • પુસ્તક : દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 115)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન
  • વર્ષ : 2008