Begaraju keshvani garbi - Garbi | RekhtaGujarati

બેગરજુ કેશવાની ગરબી

Begaraju keshvani garbi

દલપતરામ દલપતરામ
બેગરજુ કેશવાની ગરબી
દલપતરામ

(ઓધવજી સંદેશો કહેજો શામને - રાગ.)

કોઈની ગરજ નથી એમ કહેતો કેશવો,

કને હતા રૂપૈયા કોટી ચાર જો;

હીરા ખરીદ કરીને કીધો હારડો,

હમેશ હૈડાપર રાખે તે હાર જો. કોઈની...

વર્ષે હીરો એક વટાવી વાવરે,

કરે કોઈનો કોઈ સમે વિશ્વાસ જો;

અતિશે સૌ માણસથી તે અતડો રહે,

પાંચ દિવસ પણ કોઈ રહે નહિ પાસ જો. કોઈની...

સગાં કુટુંબી સૌ સાથે લડતો ફરે,

પાડોશી સાથે પણ પૂરું વેર જો;

ગમે નહી કોઈનું મુખ જોવું ગામમાં,

ઝાઝું કીધું જન સૌ સાથે ઝેર જો. કોઈની...

બંદર કાંઠે જઈ બંધાવ્યો બંગલો,

વસ્તી તજીને ત્યાં જઈ કીધો વાસ જો;

ગરીબ લોકો ગરજે જઈ ચાકરી કરે,

કોઈનો પાડ માને કેશવદાસ જો. કોઈની...

પૈસા દઈને લઈએ તેમાં પાડ શો?’

બહુ ગરવ ધરી બોલે એવા બોલ જો;

ખાય પીએ ને મોજ કરે મનમાનતી,

તલભારે પણ કોઈનો ગણે તોલ જો. કોઈની...

હોડીમાં બેશીને હવા ખાવા ગયો,

ત્યાં તોફાન થયું મોટું તે વાર જો;

ઊજડ બેટ હતો દરિયામાં એક જ્યાં,

હોડી જઈ પહોંચી ત્યાં ગાઉ હજાર જો. કોઈની...

ઉતરીને ચાલ્યો ત્યાં વનમાં એકલો,

ભુલો પડ્યો તે ફરી આવ્યો ભાઈ જો;

ઊજડ ઝાડીમાં અતિશે આથડ્યો,

ખેદ કરીને જીવ્યો ફળ ફુલ ખાઈ જો. કોઈની...

ભક્ષ મળે નહિ ત્યારે તે ભૂખ્યો રહે,

હરેક વાતે ખૂબ થયો હેરાન જો;

વસ્ત્ર હતાં તે પણ ફાટી તૂટી ગયાં,

સમજ્યો મર્મ અને સૌ આવી સાન જો. કોઈની...

હાર હતો હીરાનો તે શા કામનો?

ઉચર્યોં ઊંચે અવલોકી આકાશ જો,

“ઓ પ્રભુ! સૌની ગરજ પડે સંસારમાં,

કડિયા વણ કોણ કરિ આપે આવાસ જો.; કોઈની...

વાસણ કોણ કરી આપે માટી તણાં,

જો કર્ત્તારે કર્યો હોત કુંભાર જો?

વસ્ત્ર વગર વિશ્વ વિષે વેળા પડે,

જો જડે કોઈ વસ્ત્ર તણો વણનાર જો. કોઈની...

ખેતી કોણ કરી જાણે ખેડુ વિના?

હોય ખજાનો પણ નાણું ખવાય જો;

કંસારા વિણ કોણ ઘડે વાસણ ઘણાં?

ઘાંચી વિના ઘરમાં દીવો થાય જો. કોઈની...

વસ્તી પામું તો હું આખા વિશ્વનો,

દિનદિન પ્રત્યે રહું થઈને દાસ જો;

હળી મળીને ચાલું ઝાઝા હેતથી,

વસ્તીમાં જઈ વસું કરી નિવાસ જો. કોઈની...

જેની છત તે ભાસે સોંઘા ભાવનું

પાણીનો જેમ પાડ પૂછે લોક જો;

પણ જ્યારે પાણી પીવાને નવ મળે,

ટાંક તણો આપે રૂપૈઓ રોક જો. કોઈની...

ગરજ પડે છે ગરીબની, શ્રીમંતની,

બેગરજુ જન દુઃખ પામે બહુ ઠામ જો;

માટે અભિમાન ધરવું અંતરે,

દિલમાં એમ સમજે છે દલપતરામ જો

સ્રોત

  • પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 118)
  • સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
  • વર્ષ : 2002