aarashi ni garbi - Garbi | RekhtaGujarati

આરશીની ગરબી

aarashi ni garbi

દલપતરામ દલપતરામ
આરશીની ગરબી
દલપતરામ

અરે આરશી મેં તને ઓળખીરે,

તું તો શુભ ગુણવંતી ગણાય, સત્યવાદી તું સાચી આરશીરે;

તારા આગળ આવી જે ઊભું રહેરે, જેવું હોય તે તેવું જણાય. સત્ય...

તું તો ગુણદોષ હોય તે દેખાડતીરે, જેવી સાચે સાચી કહે વાત; સત્ય...

ભલે હોય તે પોતાનું કે પારકુંરે, તારે પંડે નહિ પક્ષપાત. સત્ય...

હોય રાંક કે રાજા ભલે રહ્યા રે, કોઈની શરમાવી શરમાય; સત્ય...

બીક દેખાડતાં તું બીહે નહીરે, લાંચ આપવાથી લલચાય. સત્ય...

રાગ દ્વેષ તું લેશ નથી રાખતીરે, માટે રાખે હૃદે કોણ રોષ; સત્ય...

પુંઠ તો નકટાને નકટું કહેરે, જાણે તે પણ પોતાનો દોષ. સત્ય...

પુંઠ પાછળ તું બડબડતી નથીરે, સાચે સાચું કહે મુખોમુખ; સત્ય...

તારું દીલ સ્વચ્છ દેખતાં દેખાય છેરે, તેથી દિલમાં ધરે કોઈ દુઃખ. સત્ય...

તારી આગળ આવીને જે ઉભું રહેરે, સાચું તેજ તું કહેનાર; સત્ય...

નથી બીજા વિષે તું કંઈ બોલતીરે, એવા નિયમ ધર્યા તેં નિર્ધાર. સત્ય...

તારી સત્યતાને સૌ ચહાય છેરે, હોંશે હોંશે ઝાલે તને હાથ; સત્ય...

નાનાં મોટાં અને રંક રાયનેરે, સૌને ગમે છે તારો સાથ. સત્ય...

તારા સત્ય ઉપર કોપ જે કરેરે, તેને લોક કરે ધિક્કાર; સત્ય...

તેને મોટો મુરખ ગણે માનવીરે, પક્ષ તારો તાણે નરનાર. સત્ય...

વાંક તેનો ગણાય વિશ્વમાંરે, કોઈ તારો વદે નહિ વાંક; સત્ય...

તું તો સાચી ઠરી સંસારમાંરે, તો અચળ ખરેખરો આંક. સત્ય...

શુદ્ધ બુદ્ધિથી સાચું જે કહેરે, રાખી નિર્મળ મન તુજ તુલ્ય; સત્ય...

તેને રીઝે તેનો કર્તા ધણીરે, એવો ગુણ સત્યતાનો અમૂલ્ય. સત્ય...

કવિ કોવિદ વિચારીને કહેરે, તારી સત્યતાને શાબાશ; સત્ય...

કૃપા કરે કૃપાળુ નાથજીરે, આપે ગુણ એવો અવિનાશ. સત્ય...

વારે વારે પ્રભુજીને વિનવીરે, વળી પ્રેમે કરીને પ્રણામ; સત્ય...

તારી તુલ્ય સદ્ગુણ સત્યતા તણીરે, માર્ગ દિન દિન દલપતરામ. સત્ય...

સ્રોત

  • પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 162)
  • સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
  • વર્ષ : 2002