akash tatha kal wisheni garbi - Garbi | RekhtaGujarati

આકાશ તથા કાળ વિષેની ગરબી

akash tatha kal wisheni garbi

દલપતરામ દલપતરામ
આકાશ તથા કાળ વિષેની ગરબી
દલપતરામ

જોયા બે જૂના જોગીરે, કહે સૈયર તે કોણ હશે?

નથી નિર્બળ કે કાંઈ રોગીરે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે.

અધઘડી થાતા નથી અળગા રે સૈયર તે કોણ હશે?

એમ એક બીજાને વળગ્યારે, જયાં જોઉં ત્યાં વાસ વસે.

મન ધારી પરસ્પર માયારે, કહે સૈયર તે કોણ હશે?

બંનેની એકજ કાયા રે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે.

એક સ્થિર રહે એક દોડેરે, કહે સૈયર તે કોણ હશે?

પણ જણાય જોડે જોડેરે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે.

મણિઓની પહેરી માળારે, કહે સૈયર તે કોણ હશે?

દીસે છે રૂડા રૂપાળા રે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે.

વળી વસ્ત્ર ધર્યા વાદળિયારે, કહે સૈયર તે કોણ હશે?

બે ગોળ ધર્યાં માદળિયારે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે.

વસ્તીમાં વળી વગડાંમારે, કહે સૈયર તે કોણ હશે?

ગિરિરાજતણી ગુફાંમારે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે.

છે પવન-પાવડી પાસેરે, કહે સૈયર તે કોણ હશે?

અંતરિક્ષ પણ ભાસેરે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે.

પાતાળે પણ તે પેસેરે, કહે સૈયર તે કોણ હશે?

જઈ સ્વર્ગ નરકમાં બેસેરે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે.

એની ઉમ્મર કંઈક ગણે છેરે, કહે સૈયર તે કોણ હશે?

પણ ભૂલી ફરી ભણે છેરે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે.

કંઈ ઉપજે અને ખપે છેરે, કહે સૈયર તે કોણ હશે?

પણ તો એના છેરે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે.

કોણ જાણે જનમ્યા કયારેરે, કહે સૈયર તે કોણ હશે?

ક્યાં સુધી કાયા ધારેરે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે.

એનો આદી અંત આવેરે, કહે સૈયર તે કોણ હશે?

સખી કોણ મુજને સમજાવેરે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે.

અચરજ સરખું ઠામેરે, કહે સૈયર તે કોણ હશે?

દિલે દીઠું દલપતરામેરે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે.

સ્રોત

  • પુસ્તક : દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 82)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન
  • વર્ષ : 2008