iyal 2 - Free-verse | RekhtaGujarati

ઇયળબેન, બધ્ધાં ગયાં

ને તમે કેમ ગયાં

કીડીબાઈની જાનમાં?

બદ્ધાંએ ખાધાં

ચોખા અને ખાંડ

ખાલી તમે એકલાં બેસી રહ્યાં

અહીં પાંદડાં પર.

કીડીબાઈના લગનમાં ઇયળબેન

બધાંએ કંઈને કંઈ કામ કર્યું.

પગે વા ઊતરેલો તો

મંકોડાભાઈ માળવે ગયેલા

ગોળ લેવા;

પીઠે ચાઠાં પડેલાં તો

ગધેડાભાઈ ગયેલા ભાલમાં

ઘઉં લેવા

ઢેલને રીઝવીને ડોક રહી ગયેલી તો

મોડબંદાએ માંડવા બાંધેલા

થાકીને લોથપોથ થઈ ગયેલી તો

વઈબુને વડાં કરેલાં;

કાબરબેન તો આમેય નવરાં ધૂપ

એમણે કીડીબેનને ધૂપેલ નાખીને

ચોટલો ગૂંથી આપેલો.

પણ તમે તો અહીં બેસી રહેલાં.

શું કહ્યું

બીક લાગતી’તી

બગલાભાઈની ચોંચની

અને તેતરસિંઘની તલવારની?

બાજસિંગની બેનાળીની?

બહાનાં કાઢો ઇયળબેન;

કોઈએ ભાવ પૂછ્યો

એટલે બગલાભાઈ તો

રિસાઈને ચાલ્યા ગયેલા બેટ પર;

અને તેતરસિંગની તલવારે તો હતાં

તેર મણનાં તાળાં;

બાજસિંઘની બંદૂકે ભરેલા હતા

અધમણ ડૂચા.

હા, વાત સાચી છે કે

સોળ શણગાર સજ્યા વિના તો

કઈ રીતે જવાય કીડીબાઈની જાનમાં?

તમારે ઝાંઝર પહેરવાં હતાં

પણ માટે પગ હતા;

ચંદનહાર પહેરવો હતો

પણ માટે ડોક હતી;

વળી પહેરવી હતી વિઠ્ઠલવરની

પણ માટે નાક તો જોઈએ ને?

સાચી વાત કહું ઇયળબેન?

હું પણ ન’તો ગયો

કીડીબાઈની જાનમાં.

કીડીબાઈની જાનમાં એમ થોડું જવાય?

માટે સૌ પહેલાં તો કાયાને ધોવી પડે

ધીરા ભગતની કાફીઓથી.

શું કહું કોણ હતો ધીરો ભગત?

પણ હતો તમારા જેવો

શબ્દોમાં શોધ્યા કરતો હતો

પાદુકાઓ પરભુજીની

નરસીં અને મીરાંની જેમ.

ઓહ્ કોણ છે નરસીં અને મીરાં એમ?

બધાં કાં તો તમારાં અનુયાયી હતાં

કાં તો તમે એમનાં અનુયાયીઓ છો

મારી જેમ જ.

પણ સતનું ધરુ નાખવા માગતાં હતાં

પહેલાં ગુજરાતી ભાષામાં

પછી માટીમાં

અને પછી

માણસ માત્રની

પાંચેય ઇન્દ્રિયોમાં.

સ્રોત

  • પુસ્તક : પ્રતિપદા (પૃષ્ઠ ક્રમાંક 229)
  • સંપાદક : પ્રશાંત પટેલ, યોગશ પટેલ
  • પ્રકાશક : એન.એસ. પટેલ આર્ટ્સ કૉલેજ, આણંદ
  • વર્ષ : 2015