yusuph maherali, ekskyujh mi - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

યુસુફ મહેરઅલી, એક્સ્ક્યૂઝ મી...

yusuph maherali, ekskyujh mi

સિતાંશુ યશશ્ચંદ્ર સિતાંશુ યશશ્ચંદ્ર
યુસુફ મહેરઅલી, એક્સ્ક્યૂઝ મી...
સિતાંશુ યશશ્ચંદ્ર

...ફ્રી હો તો થોડીક વાત કરવી’તી.

બ્રોકરને ઓળખોને, ગુલાબદાસ? લાહોર અધિવેશનમાં

હતા, ખેરવાળી છાવણીમાં –? જ. ત્યાંના તમારા

સાથી ને પાડોશી. એમની ચૉપડીઓનો વાંચનારો છું.

એમની એક ચૉપડીમાં તમને મળવાનું થયું.

તમે મને ક્યાંથી ઓળખો?

અધિકૃત સ્મરણોનાં પુસ્તકોમાંની મુલાકાતોનું એવું હોય ને?

એકપક્ષી.

પણ જો મારી કવિતામાં તમે થોડી વાર આવો

તો વાતચીત થઈ શકે, અરસપરસ.

અહીં જોકે બધું છેક અછાન્દસ છે,

મુઘલાઈ તૂટ્યા પછીના હિન્દોસ્તાં જેવું,

અંગ્રેજો આવ્યા તે પહેલાના ઈન્ડિયા જેવું.

જાણે રાજ વિનાનો સમાજ : તમને, કદાચ, નક્કી ગમશે.

આવશો?

જોકે ઇજન જોખમી છે, આજકાલ.

કોને માટે જોખમી?

બંને માટે, જનાબ!

તમને મારી કવિતામાં બોલાવવા બદલ, મારે માટે

ને મારી કવિતામાં આવવા બદલ, તમારે માટે

સમય એવો છે આજે કે જોખમો ઉઠાવવાં પડે.

ને કવિતા તો હમેશાં જોખમી જગ્યા ગણાયને, સત્યાગ્રહ જેવી?

તમે ટેવાયેલા છો? ઠીક તો.

હું યે ટેવાયેલો છું વૅલકમ, યુસુફ.

જગ્યા ગમી?

મહાત્માજીને કદાચ માફક આવે, એવી છે, જોકે.

કોક કોશિયો કદાચ કન્ફ્યૂઝ પણ થઈ જાય, કેટલીક વાતે, અહીં.

કોક કોશિયાને કંઈક નવું-નવું થયાની એક્સાઈટમેન્ટ પણ થાય.

શું? તમે પણ મહાત્માજી સાથે કેટલાક મતભેદ ધરાવતા’તા?

ને તોય એમને ચાહતા હતા? –અફકોર્સ.

મારે, મૂળ, અંગે આપને મળવું હતુ.

ને મારી કવિતા જેવી બીજી જગ્યા આજે મારી પાસે બીજી લગભગ

એકે બચી નથી.

જ્યાં મતભેદ અંગે ખૂલીને વાત થઈ શકે,

કે મનમેળ વિષે.

તો, આવો ત્યાં બેસીએ જરા નિરાંતે, અમારા અછાન્દસ આસન પર,

જ્યાં આરામ સે એલર્ટ રહી શકાય છે.

ને ચૉકન્ના રહ્યે રહ્યે પણ જરા લેટી શકાય છે.

બિરાજો.

મૂંઝવણો તો, મહેરઅલી, મારી ઘણી છે, પણ,

ટુ સ્ટાર્ટ વિથ, એક મુદ્દો રજૂ કરું :

રાવી કિનારે, લાહોરની છાવણીમાં, ખેર સાહેબની

હાજરીમાં, તમે જે મુદ્દો ઊગવ્યો હતો, જ.

ગાંધી બાબત. એમના ઠરાવ બાબત, યાદ છે?

ના, ના, યુસુફભાઈ, નહીં, ‘મુકમ્મિલ આઝાદી’ વાળો નહીં.

ના ના. તો ખરો જ. પૂર્ણ સ્વરાજ. જવાહરવાળું. સર માથા પર.

હકીકતે આજે યે અમારા સરમાથા પર બેઠું છે.

પૂર્ણ સ્વરાજ અંદર નથી આવતું, પણ જવા દો,

લાંબી વાત છે, ને મારી કવિતાઓ ટૂંકી કરવા તરફ હવે મારું વલણ છે.

કેમ? કેમકે હવે કાગળ નથી મળતા, કવિતા

લખવા માટે, કેમકે ન્યૂઝપ્રિન્ટમાં જતા રહે છે.

૧૯૨૯માં રાવી તટે લાહોર અધિવેશનમાં ગાંધીએ પોતે જે ઠરાવ રજૂ

કરવા મથામણ કરવી પડી’તી, ઠરાવની વાત

આજે મારે તમારી સાથે જગ્યાએ કરવી છે, મહેરઅલી.

હા, તમને ઠીક યાદ આવ્યો, જ.

-

ડૉ. આલમે જેની ભારે ઠેકડી ઉડાવી’તી ને માંડમાંડ

જે પસાર થયો’તો, ગાંધીની બે આંખોની શરમે,

ઠરાવ : બૉમ્બ બ્લાસ્ટ અંગેનો.

તમે ત્યારે તરુણ હતા, નહીં યુસુફ? ઊંચી પાતળી કાયા. ચમકતા દાંત,

ચમકતો ચહેરો, બોલકી આંખો, સ્મિત કરતા હોઠ, માથાની વચ્ચોવચ

પાડેલો સેંથો, બેઉ બાજુ કાળા ભમ્મર વાળ, વાંકડિયા બની પથરાઈ રહે.

જોતાવેંત ગમી જનાર માણસ!’ –તે, આ, તમે જ?

ઇતિહાસ કેવા બદલી નાખે છે આપણને

સહુને,

યુલુફ મહેરઅલી!

હા, ઠરાવ, ગાંધીવાળો : વાઈસરૉયની ટ્રેઈન ઉપર કોઈ હિન્દી

ક્રાન્તિકારીએ બૉમ્બ નાખેલો, થોડા દિવસ પહેલાં,

ને હવે ગાંધીએ ઠરાવ મૂકેલો.

બૉમ્બ બ્લાસ્ટનો વિરોધ કરતો ઠરાવ, વાઈસરૉય તો, અલબત્ત,

બચી ગયેલા, પણ ઠરાવ લગભગ ઊડી ઊડી ગયેલો, નહીં?

તીખા તરુણોના ઉપહાસના બ્લાસટમાં, મહેરઅલી?

શું બોલ્યા’તા ડૉ. આલમ? મંચની જાહેર જગ્યામાંથી?

ને ખેરવાળી છાવણીમાં, આગલી સાંજે, તમારી અંગત જગ્યામાં, બ્રોકર

સાથે લાહોરી ચા પીતાં પીતાં, રાવીનું વહેણ જોતાં જોતાં, તમે તીખા

તોયે સાચા તરુણો.

શું બોલ્યા’તા?

પુછ્યું, પૂછ્યું પડ્યું તમને અહીં બોલાવીને મહેરઅલી કેમકે બ્રોકરના

પુસ્તકમાં નોંધ છે પણ વીગતો નથી. બીજે હશે કદાચ અધૂરી, કેમકે

ઇતિહાસ

રાવીના વહેણથી વે વધારે વેગીલો વહી જાય છે.

ભળી જાચ છે ભૂતકાળનાં કાળાં ખારાંઊસ પાણીમાં તરંગો વગરનો.

ને મારે આજે સાંભળવી છે

બધી વાતો,

જેમ ગાંધીની તેમ તમારી.

આજે, વળી, બિરાદર, તાકીદથી તમને તેડું કર્યું છે આ,

તે કારણે કે ખારાં પાણીમાં જુવાળ જાગ્ચો છે.

એવો કે રાવી, કાવેરી ને ગંગાસાગરના મુખમાં પેસી ગયાં છે

ભૂતકાળનાં અંધારા જળ ને બ્લાસ્ટ

થાય છે ટ્રેને ટ્રેને, રાવીથી ઇરાવતી સુધી, સલામત છે વાઈસરૉયો

આજે યે,

પણ બ્લાસ્ટ અટકતા નથી, અમારી ટ્રેનેટ્રેને ડિરેઈલ

થઈ જવા માંડ્ચા છે અમારા વિચારો.

કાળા ભૂતકાળોમાં ગરજતાં પાણી જુવાળભેર ઘૂસી જાચ છે ઇતિહાસોની

બંધો બાંધેલી નદીઓમાં ને પછી ઇતિહાસો

અર્થ વિનાના અવાજો કરતા ભયંકર ઘૂસી જાય છે કવિતાના

તટો તોડીને ટાપુએ ટાપુએ અમારાં ઘરોમાં, ચૂલાઓમાં, પાણિયારે,

દિવસના દીવાનખાનામાં, રાતના સૂવાના ઓરડામાં.

તૂટી જાય છે છન્દો, સ્વરૂપો, પ્રબન્ધો, પ્રાસો; પલળીને

લોચો થઈ જાય છે મારી કવિતાને લખવા માટે માંડ

માંડ સાચવી રાખેલાં થોડાંક કોરાં પાનાં, ખારાં, ખારીલાં,

આંધળાં પાણી આવી પહોંચ્યાં,

યુસુફ મહેરઅલી, ઍક્સક્યૂઝ મી,

જગ્યા હવે સલામત નથી, તમારે માટે,

ફરગીવ મી, તમે જાઓ હવે,

જવાબ આપ્યા વગર જ,

જલદી

ઇતિહાસમાં.

૧૦

કેમકે ઇતિહાસો હવે જવાબો નથી આપતા, ઇતિહાસો તો

સવાલો પણ પડાવી લે છે મારી પાસેથી.

હવે, મહેરઅલી, મારે રજૂ કરવાનો છે ઠરાવ, નવેસરથી,

મારે ઉડાવી લેવાની છે ઠેકડી, નવેસરથી,

મારે મારી આંખે જોવાનું છે

કે રહી છે કે નહીં

બે આંખમાં હોય એટલી શરમ

અમારી કરોડો કાંઈ જોતી આંખોમાં

રાવીથી ઇરાવતી સુધી...

(૨૦૦૬)

સ્રોત

  • પુસ્તક : વખાર (પૃષ્ઠ ક્રમાંક 111)
  • સર્જક : સિતાંશુ યશશ્ચન્દ્ર
  • પ્રકાશક : આર. આર. શેઠની કંપની
  • વર્ષ : 2009