દુન્યા મિખાઈલ
Dunya Mikhail
યુદ્ધ કેવી ભવ્ય ચીજ છે!
કેટલી કાર્યદક્ષ અને તત્પર,
વહેલી સવારમાં સાયરનો ને ગુંજતી કરી દે છે.
અને ઍમ્બ્યુલન્સ ને ઘણી બધી જગ્યાએ
મોકલી દે છે. સ્ટ્રેચરોને ધક્કા મારે છે.
એ આહ્વાન આપે છે,
અશ્રુવર્ષાને માતાઓની આંખોમાં.
એ ખોદકામ કરી અને
કાટમાળમાંથી કેટલીયે ચીજોને બહાર કાઢે છે
કેટલી નિર્જીવ અને ચમકતી
તો કેટલીક ફિક્કી અને સહેજ ધબકતી.
એ બાળકોના મનમાં અનેક પ્રશ્નો ઊભા કરે છે.
આકાશમાં દારૂખાનું ફોડી
દેવતાઓનું મનોરંજન કરે છે.
એ ખેતરમાં સુરંગો વાવી અને
ઘાવ અને ઘારાનો પાક લણે છે.
કુટુંબોને સ્થળાંતર કરવા પ્રેરે છે.
એ ધર્મગુરુઓની પડખે ઊભી
શેતાનને શ્રાપ આપે છે. (બિચ્ચારો શેતાન
એના એક હાથમાં હોય છે દાહક અગનજ્વાળા)
યુદ્ધ કાર્યરત રહે છે અહર્નિશ
એ આતતાયીને પ્રેરણા આપે છે
ભાષણ આપવાની.
તો સૈનિકોને પદકો એનાયત કરે છે.
કૃત્રિમ હાથ પગ બનાવવાના
ઉદ્યોગમાં યોગદાન આપે છે.
જીવજંતુઓને આહાર પૂરો પાડે છે.
મરનાર અને મારનારને એક સરખા
બનાવી દે છે.
ઇતિહાસના પૃષ્ઠોની સંખ્યામાં વધારો કરે છે
પ્રેમીઓને પત્ર લખવાનું શીખવે છે,
છાપાંઓને તસવીરો અને લેખોથી ભરી દે છે.
એ મકાનો ચણી દે છે અનાથો માટે
તાબૂત બનવનારના
ધંધાને મજબૂતી બક્ષે છે.
તો કબર ખોદનારની પીઠ થાબડે છે.
નેતાઓના ચહેરા પર સ્મિત દોરે છે.
એ અભૂતપૂર્વ ખંતથી કામ કરે છે.
તો પણ કોઈ તેની પ્રશંસા કરતું નથી!
(અનુ. ઉર્વીશ વસાવડા)
સ્રોત
- પુસ્તક : અનુવાદક તરફથી મળેલી કૃતિ
