
યાજ્ઞસેની, કયા અજંપાની આગમાં હજીય પ્રજળી રહી છે તું?
મહાયુદ્ધની વિભીષિકા
રાખ બની ચૂકી છે.
હસ્તિનાપુરની સામ્રાજ્ઞી
તેમ છતાં
અર્ધરાત્રિએ અચાનક
શા માટે ઝબકી ઊઠે છે?
દુઃશાસનની છાતીના લોહીથી રંજિત કેશ બાંધ્યા છે તોય શા માટે ખૂલી જાય છે યાજ્ઞસેની, હજીય શું તારા અપમાનનો કોઈ પ્રતિશોધ શેષ છે?
આ કયો અજંપો છે?
તું તને પણ ન કહી શકે
એવી આ કઈ ગુપિત વેદના છે?
કોણ દોષિત હજી દંડરહિત છે?
એ જો સામે આવે
તો અંગુલિનિર્દેશ કરી શકીશ તું?
તું જાણે છે કે તારું અપમાન કરનાર કેવળ દુઃશાસનના હાથ, દુર્યોધનની જાંઘ કે કર્ણની જિહ્વા નહોતાં.
તને અપમાનિત કરનાર જિહ્વા તો છે બધુંય હાર્યા પછી તારા સૌંદર્ય અને ગુણનું વર્ણન કરી તને હોડમાં મૂકનાર!
જીતવાની જીદમાં ફરી ફરી પાસા ફેંકનાર એ હાથને શી સજા છે યાજ્ઞસેની?
કઈ રીતે તેં એને માફ કરી દીધા?
હજીય તને છે અજંપો કઈ ઘડીએ એ હાથ ફરીથી દ્યૂતક્રીડામાં હારી જશે તને!
પાંચાલી, વિજયશ્રીની યાત્રાએથી કયો પતિ સપત્નીક કઈ દિશાએથી પાછો ફરશે એની તને ક્યાં જાણ છે?
પાંચ પતિ છતાં અ-નાથ એવી દ્રૌપદી.
મહાયુદ્ધની આ વિભીષિકા હજી અંત નથી પામી. તારા હૃદયના કોઈ ખૂણે પ્રજ્જ્વળે છે પંચાગ્નિ પ્રતિશોધનો, વૈરાગ્નિ વેદનાનો.
આ ધર્મયુદ્ધમાં કોઈ મધુસૂદન તારા સારથિ નથી.
યાજ્ઞસેની, લડી શકીશ તું આ ધર્મયુદ્ધ ધર્મરાજ સાથે?



સ્રોત
- પુસ્તક : અઢી વત્તા ત્રણ (પૃષ્ઠ ક્રમાંક 119)
- સર્જક : માલા કાપડિયા
- પ્રકાશક : ઇમેજ પબ્લિકેશન્સ
- વર્ષ : 2013