wasno - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

મારાં રસોડાંનાં

એકેએક વાસણને હું ઓળખું છું.

એમને વહાલ કરું છું મારાં બાળકોની જેમ.

એકેએક વાસણ સાથે

હું જોડાયેલી છું અભિન્નપણે

સદીઓ જૂનો સંબંધ છે મારો એની સાથે.

મારાં પૂર્વજો

પથ્થર અને માટીનાં વાસણમાં રાંધતા

ત્યાં સુધીનો.

હરખાઈ ઊઠું છું

ચકચકિત મંજાયેલા વિવિધ આકારો ધરાવતા

વાસણોને જોઈને.

પછી ડાઈનિંગ ટેબલ પર ગોઠવું છું

અને

સંતોષથી જોયા કરું છું સજળ આંખે.

બાંધી રાખે છે મારા પરિવારને એકસૂત્રે

વાસણો.

મને હરહંમેશ મદદરૂપ થાય છે

ક્યારેય કશાની ના પાડતા નથી.

કેવા સંપીને રહે છે વાસણો

એકમાં સમાઈ જાય બીજું, બીજામાં ત્રીજું.....

સાક્ષી છે વાસણો

મારા વિષાદનાં, મારા રાજીપાનાં.

વાસણો છે તો ખખડે ખરાં.

એકબીજા સાથે અથડાય, કુટાય, પછડાય પણ ખરાં.

ક્યારેક તો અડતાં દાઝી જવાય.

વાસણો છે થાય, આવું થાય ક્યારેક.

પણ પછી

જંપી જાય સૌ એકસાથે

જાણે કોઈ ક્યારેય લડ્યાં-ઝગડ્યાં નથી.

એકવાર

ભંગારમાં આપવા માટે

બધાં જૂનાં વાસણોને ભેગાં કર્યાં.

તો મામીએ ખાસ

ત્રિકોણિયા આકારની ડિસ લઈ આપેલી.

તો મમ્મીએ ને વળી પેલું કાકીએ

ફઈએ, મોટીબહેને, સાસુએ!

જન્મથી મૃત્યુ સુધીની

કેટલી પેઢીઓની સ્મૃતિઓ કોતરાયેલી છે એમાં!

કેમ કરીને કાઢી નાંખુ વાસણોને?

એક પછી એક

વાસણ પર નામ ઉકેલવા માંડી.

કોઈ પર પતિનું, કોઈ પર મામાનું,

કોઈ પર પપ્પાનું, કાકાનું, ફૂઆનું.

ક્યાંય મામી, કાકી, મમ્મી કે ફઈનું નામ કેમ નથી?

અને મારું પણ?

મનમાં નિશ્ચય થાય છે

બધાં વાસણોને ભંગારમાં આપીને

હવે હું ખરીદીશ એક નવું વાસણ.

અને

કોતરાવીશ તેમાં સૌપ્રથમ

મારું નામ!

સ્રોત

  • પુસ્તક : રેખ્તા ગુજરાતી માટે કવિએ પોતે પસંદ કરેલી કૃતિ.