wahi jati ramya gatra! - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

વહી જતી રમ્ય ગટરા!

wahi jati ramya gatra!

મનસુખ વાઘેલા મનસુખ વાઘેલા
વહી જતી રમ્ય ગટરા!
મનસુખ વાઘેલા

ખદબદ ખદબદ ખદબદ વહેતી

ગટરનદીના કાંઠે

નથી આવડ્યાં મને ક’દિયે કક્કો ને બારખડી

તો ભૈ ગણિત ક્યાંથી જાણું?

બધા ગણતરી કરે વોટની ખાતર મારી

નોટો સાથે વખતે થઈ જાતી થોડી યારી

પાંચ વર્ષમાં

એક દિવસ હું ભંગીબંધુ વ્હાલો!

સહુ સલામો મારે મુજને

વોટ પડે પછી હાથમાં કચરાના ઢગ થાતા.

મારી કિંમત પણ કચરાના કણથી ઓછી

પૂર આવતાં વહે ઝૂંપડું ગટર નદીની સાથે

સાથે હું ડૂબવા માંડું

ત્યાં તો ચમત્કાર સર્જાતો

મને ઊંચકી લેતું લો, ઝાડુ!

એની વચ્ચે ઉજળિયાતનું મેલું

એને ક્યાં જઈને હું ઝાડું?

હવે તો મોક્ષ થાય તો...

પણ રે!

ભંગી કેરા નસીબમાં ક્યાં મોક્ષ?

મોક્ષ છે ઉજળિયાતનાં તૂત

જેમને લાગે ભંગી ભૂત

અહીં તો પડછાયો અડકે તો છુઆછૂત!

વહી જતી રમ્ય ગટરના કાંઠે

હું ઊજળો થઈને ખુદને અડકું?

એની પણ શું છૂટ મને ના?

સ્રોત

  • પુસ્તક : દલિત કવિતા સંચય (પૃષ્ઠ ક્રમાંક 78)
  • સંપાદક : ગણપત પરમાર, મનીષી જાની
  • પ્રકાશક : ગુજરાત લોકાયન
  • વર્ષ : 1981