પ્રેમ પરવશ
Prem Parvash
પ્રાપ્તિ કાનાણી
Prapti Kanani

હું તને પ્રેમ કરતી નથી,
પણ હું તારા પ્રેમમાં પડી છું.
હું બની ગઈ છું પરવશ.
માણસ હંમેશાં પ્રેમમાં પડે છે, ઊપડતો નથી
કદાચ આ 'પડવું' જ તેને બનાવે છે પરવશ.
તારી મારા પરની સત્તા
કોઈ પણ મનુષ્યની બીજા મનુષ્ય ઉપર ન હોય તેવી
અને એના દુરુપયોગથી અસહ્ય દર્દ,
પણ એની અવાક વ્યથાનું રૂદન
મરી જશે સંભળાયા વગર.
આવ, મને પણ આવી સત્તા આપ.
મારે તારા સમકક્ષ થવું છે,
તને પણ અનુભવ કરાવવો છે
એ અસહ્યાયતાનો
એ ગૂંગળાવનારા જીવતા મરણનો
જેની અનુભૂતિ થાય છે
તારી ક્ષણેક્ષણની ગેરહાજરીમાં
અરે, પરવશ પ્રેમ
પ્રેમ-પરવશ...!



સ્રોત
- પુસ્તક : કવિતા - ઑક્ટોમ્બર, 1979 (પૃષ્ઠ ક્રમાંક 88)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ