hun - Free-verse | RekhtaGujarati

હું આવ્યો છું–

શ્વેતાતિશ્વેત આક્રોશ લઈને

મારી કવિતાના શબ્દે-શબ્દ ઘૂઘવે

હણહણતો ભેંકાર

હું આવ્યો છું–

સદીઓથી બંદીવાન બનેલાં

મારા અરમાનોને મુક્ત કરવા

સૂર્ય તો મારા શ્વાસના સ્પર્શે

ઓગળી જતું એક રોડું.

સંસ્કૃતિની યોનિમાં ધગધગતો શ્વેત શબ્દ રેડું

અંધારામાં ભાષાની તસતસતી તત્ક્ષણતા ખેડું.

હું આવ્યો છું–

વંધ્ય કવિતાનું મહેણું ટાળવા

રોડ પર ઉભરાતી વ્યંઢળોની જમાત ખાળવા.

હું આવ્યો છું–

મારો સમૃદ્ધ અતીત લઈને

હં રાવણના દસ દસ મુખેથી બોલું

સ્ત્રૈણ ઈશ્વરોની રોમાન્ટિક પોલ ખોલું.

કાળમીંઢ દીવાલોને તોડી પાડીશ હું

ષોડશીનું અરમાન બની છાતી પર ત્રોફાઈ જઈશ હું

સ્રોત

  • પુસ્તક : દલિત કવિતા સંચય (પૃષ્ઠ ક્રમાંક 33)
  • સંપાદક : ગણપત પરમાર, મનીષી જાની
  • પ્રકાશક : ગુજરાત લોકાયન
  • વર્ષ : 1981