wat etlethi ja atki gai chhe - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

વાત એટલેથી જ અટકી ગઈ છે

wat etlethi ja atki gai chhe

રાજેન્દ્ર શુક્લ રાજેન્દ્ર શુક્લ
વાત એટલેથી જ અટકી ગઈ છે
રાજેન્દ્ર શુક્લ

પાનના ગલ્લાની પેટ્રોમેક્સના ઝાંખા ઉજાસમાં,

સ્કૂટરોના કર્કશ અવાજ મધ્યે,

સાંજે વાયુ ભરેલા ફુગ્ગા અપાવેલા

શિશુઓને આંગળીએ વળગાડી

આવતાં જતાં રવીવારીય લોકો વચ્ચે,

ઓછું વપરાતા બસસ્ટેંડના

ઘોર નિર્જન બાંકડા પર,

મ્યુનિસિપાલિટીના ગુલમ્હોરવૃક્ષની

એક ડાળ નીચે,

પદ્માસને ધ્યાનસ્થ એવા મને

બોધિજ્ઞાન થવાની ક્ષણે

અચાનક

એક સૌમ્ય છીંક

આકાશમાંથી નીચે ઊતરી આવી;

અને હે શ્રમણભિક્ષુઓ

વાત એટલેથી અટકી ગઈ છે....

વાત એટલેથી અટકી ગઈ છે.....

વાત એટલેથી અટકી ગઈ છે.....

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 297)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004