વૃક્ષ
Vruksh
ઉશનસ્
Ushnas
ઉશનસ્
Ushnas
એક જીવતા વૃક્ષને
મેં થડમાંથી જ બાથમાં લઈ લીધું,
એ એટલો જ ભાગ કવચ-આવૃત, કેડ જેટલો જ ભાગ;
કવચ પાર તો જીવતા પ્રવાહો હતા, ઉપર ને નીચે જતા
ધસમસતા ને ધબકતા મારા વક્ષસ્થળની સાથોસાથ,
મારી બાથમાંથી જે નીચે છટકી ગયું હતું
તે ભૂમિમાં મૂળિયાં નાખી વિસ્તરવા મથતું હતું
આડે ને ઊંડે ને ચોતરફ...
અને ઉપર પ્રટક્યું તે તો આભ ઊર્ધ્વ
ડૂખ અને ડાળીઓમાં આડું-ઊંચું ને ચોતરફ…
થડમાં છે એટલું જ આશ્લેષમાં તો-
બાકી અધો અને ઊર્ધ્વ
કેવળ અનાશ્લેષ્ય
સ્રોત
- પુસ્તક : કવિતા : એપ્રિલ 1982 (પૃષ્ઠ ક્રમાંક 37)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ
