
આરામખુરશીમાં
શરીર લંબાવી પડ્યો છું
બહારથી ઊડીને આવેલું ત્યાં અચાનક
એક પાંદડું
મારી સામે ફફડતું રહે છે.
હવા હજુ પણ તેને ઘસડી જવાનો આગ્રહ કરતી હતી
આઘાતથી છિન્ન
ફરી ફફડે છે ઉપરથી નીચે
નીચેથી ઉપર.
મને થયું
લાવ તેને પકડી લઉં,
પરાણે ઊઠું,
મારા હાથપગ જકડાઈને લાકડા જેવા ઠીંગરાતા
છતાં હિંમત કરી પરાણે ઊઠું,
તેને પકડું ધ્રુજતા હાથે,
ઊંચું કરી જોયું
ખાસ્સુ મોટું!
ઉપરની બાજુ હજુ થોડી લીલી હતી,
નીચે તરફ ઉતરતા તેના
સૂકા પ્રદેશો જોઉં!
પણ શિરાઓમાં જરા
શ્વાસ ધબકતો સાંભળું,
હું એને ખુરશીના પાયા પર મૂકું. ઉપર મારી લાકડી.
ફરી આરામખુરશીમાં લંબાવું.
આંખો બંધ કરું.
તંદ્રામાં ઘેરાઉં.
પાંદડું લાકડીને છેડે તીર બનીને
ઘસતું દેખાય મારી તરફ,
તીરમાંથી તણખા ખરતા
સળગતું સળગતું
હવામાં જોઉં ધુમાડો.
દાદા,
ચાલો જોઈએ,
ચાનો સમય થયો છે.
તંદ્રા તૂટી.
ચા પીવા ઊભો થાઉં.
પણ લાકડીને પકડતાં ડરું,
લાકડી વિના ભીંતના ટેકે ટેકે અંદર જાઉં,
ચાનો કપ હાથમાં આવતાં
હવામાં ઊડતી વરાળ જોઉં!
મને થયું. હજુ પણ પાંદડું સળગે છે.
સાચવી સાચવીને ચા પીઉં.
ફરી બહાર જવા પગ ઊપાડું
ખુરશી પર આવીને બેસું
એમ જેમ આવીને પડ્યું હતું પાંદડું.
ધીમે ધીમે મારા પર વજનદાર જંગલોના
ભાર પડતા લાગે,
તોતિંગ થડની બરછટ છાલ
મને કેદ કરીને ઊંડે લઈ ગઈ પેટાળમાં,
પેટાળમાં પેટાવું મારી આંખો
માટીના થરોમાં વસતા ભીના પોચા જીવો
મારા પર ફરી વળે.
એકાદ ક્ષણમાં તો બની જાઉં કણ
ને પછી કણના કરોડ ટુકડાઓમાં.
હું પાતાળરસ સાથે
ફરી પ્રવેશું મૂળના મુખમાં
મૂળના માર્ગે ચડું ઉપર
પ્રસરું ઝાડની નસેનસમાં
શિરાએ શિરાએ ફરું ઊર્ધ્વગતિ કરતો
રસપ્રવાહમાં ઝાડના ધબકારા સાંભળું,
ફરતો ફરતો પહોંચી જાઉં
ઝાડની તદ્દન ઊંચી ડાળીએ
ટોચે
શૂન્ય ઘેરાતું
ચોતરફ સાંભળું,
પવન હઠીલો કાયાને વીંઝે,
ચોટ વીંધીને
બહાર નીકળું
ચાલું અવકાશમાં
પણ પવન હઠીલો
પડું પડું થતો ફરી ચક્કર ખાતો
ફફડું હવામાં
બસ હવામાં જ.
‘દાદા,
ચાલો ફરવા જવાનો સમય થયો છે’
હું સાદ પાડી બોલું,
‘હું થાકી ગયો છું ફરીને’,
‘પણ ના દાદા,
ચાલવા જવું જ પડશે,
ઊભા થાવ,
આળસ ન કરો’
પરાણે ઊભો થાઉં
ફફડતો ફફડતો ડગ માંડું,
લાકડી દૂર જ રહી ગઈ.
કદાચ પાંદડું પાછળ આવતું સાંભળું.
હું ને પાંદડું ચાલી નીકળીએ.



સ્રોત
- પુસ્તક : આપ ઓળખની વાર્તા (પૃષ્ઠ ક્રમાંક 9)
- સંપાદક : જયેશ ભોગાયતા
- પ્રકાશક : પોતે
- વર્ષ : 2013