
પાર્ક સ્ટ્રીટના વળાંકે કોઈએ જાણે મને બૂમ પાડી –
‘ક્યાં જાઓ છો તમે?’
મેં સ્પષ્ટ સાંભળ્યું.
આજુબાજુ જોયું, પણ મેં કોઈને જોયો નહિ.
ખૂબ જોરથી બ્રેક લગાવી.
બુટ ઘસાયો થોડો ક્લચ પર –
ના, ક્યાંય કોઈ નથી!
આયના અંદર પાછળ શૅક્સપિયર સ્ટ્રીટ સુધી
માત્ર આસ્ફાલ્ટનો માર્ગ વિસ્તરેલો હતો.
પણ હું બેઠક છોડી નીચે ન ઊતર્યો,
ફરી ધીમે ધીમે ગાડી ગિયરમાં ચઢાવી.
કોઈને મેં જોયો નહિ,
માત્ર મનોમન પ્રશ્ન કર્યો : “હું ક્યાં જાઉં છું?”
મ્યુઝિયમ સામે કોઈ બેહોશ જાણે
માર્ગ પર આડો થઈને પડ્યો છે.
ફરી ખૂબ જોરથી બ્રેક લગાવી, કદાચ –
ના, તેમ નથી, દેવદારુની એ લાંબી છાયા હતી.
ફરીથી કોઈએ જાણે મને બૂમ પાડી –
‘ક્યાં જાઓ છો?’
મેં સ્પષ્ટ સાંભળ્યું.
આ વેળા સ્પીડ વધારી
વેગથી પસાર થતી બન્ને બાજુઓ
એકદમ અસ્પષ્ટ બની ગઈ.
તે પછી તે બૂમે આખો દિવસ મારો પીછો કર્યો
પાર્ક સ્ટ્રીટથી સ્ટ્રેન્ડ, સ્ટ્રેન્ડથી બજબજ
ફરીથી સ્ટ્રેન્ડ, ત્યાંથી એસ્પ્લેનેડ, ફરી મ્યુઝિયમ
ફરી ખૂબ જોરથી બ્રેક મારી –
કોઈએ જાણે બૂમ પાડી –
‘કોણ?’ મારું મગજ ચિત્કાર કરી ઊઠ્યું.
કોઈ નથી.
ગાડી સ્ટાર્ટ કરવા જતો હતો ત્યાં તો જોઉં છું –
એક વૃદ્ધ, ઉઘાડા પગ, હાથમાં એક લાકડી,
બરાબર પાર્ક સ્ટ્રીટના સ્ટેચ્યુંની જેમ ઊભેલો.
તે પછી આખું બંગાળ, આખું ભારતવર્ષ
નોઆખલીથી સાબરમતી, ઉન્મત્તની જેમ
મોટરગાડીમાં, ટ્રેઈનમાં, ઍરોપ્લેનમાં ફર્યો છું –
અને તે સ્ટેચ્યુના જેવો એક જણ એક જગ્યાએ ઊભો રહી
મારા સ્પીડોમીટરને શરમાવે છે.
એક માર્ગથી બીજે માર્ગ તે મારો પીછો કરે છે.
પાર્કસ્ટ્રીટથી, બજબજથી, કલકત્તાથી, દિલ્હીથી
પ્રત્યેક સારામાઠા કાર્યમાં, ન્યાયઅન્યાયના, નીતિઅનીતિના
ઊંચાનીચા માર્ગોમાં.
હું દોડતાં દોડતાં સાંભળું છું, ‘ક્યાં જાઓ છો?’
અને બ્રેક લગાવું છું.
તે જ વૃદ્ધ, ઉઘાડા પગ, એક લાકડી,
બધે જ સ્ટેચ્યુની જેમ ઊભેલો –
સાચે જ, આપણે ક્યાં જઈએ છીએ?
(અનુ. ભોળાભાઈ પટેલ)



સ્રોત
- પુસ્તક : કવિતા : ફેબ્રુઆરી, ૧૯૭૦ (પૃષ્ઠ ક્રમાંક 26)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ