ek jhaD jem hwe hun jai rahyo chhun akash taraph - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

એક ઝાડ જેમ હવે હું જઈ રહ્યો છું આકાશ તરફ

ek jhaD jem hwe hun jai rahyo chhun akash taraph

સિતાંશુ યશશ્ચંદ્ર સિતાંશુ યશશ્ચંદ્ર
એક ઝાડ જેમ હવે હું જઈ રહ્યો છું આકાશ તરફ
સિતાંશુ યશશ્ચંદ્ર

એક જૂના જાજરમાન ઝાડ જેવો હું હવે એંશીમે વરસે

આસ્તે આસ્તે જઈ રહ્યો છું આકાશ તરફ.

છેક ઉપરની, આકાશમાં ટટાર ઊંચકાયેલી જે ડાળ,

ડાળની છેક ઉપરની જે ડાળખી, ડાળખીની છેક ઉપર

અબીહાલ ફૂટેલી અને ફૂટતાંવેંત ‘ઓ પેલો સૂરજ’

એમ મોટેથી બોલી, પગના પહોંચા ઉપર અધ્ધર થઈ,

તડકા તરફ મલકાતો મરોડ લેતી જે કૂંપળ,

કૂંપળના ઉપર તરફના સ્હેજ કરકરા ભાગની

આકાશમાં ખુલ્લંખુલ્લા તગતગતી જે ઊજળી લીલાશ,

લીલાશ;

અને મારી પેલી ઊંડી પહોળી ભોંયના સૂકાભીના અંધારામાં પેઠેલી

મસમોટી જે મૂળજાળ, મૂળજાળનાં સહુથી ઊંડે સુધી જઈ પહોંચેલાં જે

તંતુમૂળ, તંતુમૂળના સહુથી આગળ પહોંચી,

‘ઓ પણેપાણી છે’ એવું આછેરું બોલી,

આડે આવતા પથરાને અંધારામાં લંબાવેલા ટેરવે ઓળખી, હળવેકથી હટાવી,

ઊંડે ઊંડે આગળ ને આગળ જતા જે ઝીણા તાંતણા,

તાંતણાની પેલી માંડ કળાતી કથ્થઈ પડતી જે રતાશ

રતાશ

-આમ જુઓ તો લીલાશ પેલી રતાશ સાથેના બધા સંબંધ તોડી ચૂકી છે.

જૂના પુરાણા થડ માફક હવે ખૂબ ખરબચડું બન્યું છે મારું ધડ,

કૂંપળ અને તંતુમૂળ એકમેકથી એકદમ આઘાં જઈ ચૂક્યાં છે,

એની જાણ પણ થઈ ચૂકી છે મને કેટલાક સમયથી.

ઊંચા થડની ઉપર તરફની આડી જતી અડીખમ ડાળીઓ

છે તો જેમની તેમ, પંખીઓ માટે એક સલામત જગ્ચા.

પણ હવે એની ઉપર રસબસતા મધપૂડા,

ક્યાંક આઘેનાં પુષ્પવનોના પરાગરસભર્યા, જામતા નથી કે

જાડો ચિક્કટ ગુંદ ઝટ ઝમી આવતો નથી થડિયામાંથી.

તૂટ્યા છે ઘણા સંબંધો.

તોતિંગ જૂનું ઝાડ છું, જબરું, જાણ છે મને.

-તો પણ

મૂળતંતુ અને કૂંપળ એકમેકથી એકદમ આઘાં

બે સાવ અડોઅડ છે હવે એવું કેમ લાગે છે મને?

ઝંઝાવાત કળાય છે હવામાં, આઘેઆઘેથી, વૃક્ષ છું એટલે મને?

કે પછી, મારા એંશી વરસના ભેદી ને જાણતલ શરીરની અંદર

એવા એવા રસ્તા હશે, જાહેર, અંગત, છૂપા,

ભોંયરે ભોયરે થતાક, જે રસ્તે બે

કરકરી કોમળ કૂંપળ અને પેલું કરકરું કોમળ તંતુમૂળ

ધારે ત્યારે એકમેકથી એકદમ આઘાં જઈ શકે છે

તેમ ચાહે ત્ચારે સાવ સમીપે સરકી આવી શકે છે અરસપરસ?

મને પૂછ્યાગાછ્યા વગર સાવ?

વિચારે ઊંડાસુખથી મને સ્હેજ હસવું આવતું હોય એમ

લીલા લીલા પોપટોની નાની ટોળી,

એક કિલકારી સાથે ચાંચમાં થોડાક ટેટા ઝાલી મારી ઘટામાંથી

અચાનક આકાશમાં ઊડી જાય છે.

(સમા. વડોદરા, ઓગસ્ટ, ૨૦૨૧)

સ્રોત

  • પુસ્તક : એતદ્ 2021 (ઑક્ટોબર- ડિસેમ્બર) (પૃષ્ઠ ક્રમાંક 3)
  • સંપાદક : કમલ વોરા– કિરીટ દૂધાત
  • પ્રકાશક : ક્ષિતિજ સંશોધન પ્રકાશન કેન્દ્ર